Saturday 30 January 2016

વિચાર વીથિકા

સહજાનંદ સ્વામીએ અનેક પતિત લોકોને સુધારી એમને ભક્તિના માર્ગે વાળ્યા હતા

અયોધ્યા પાસે આવેલા છપૈયા નામના ગામમાં સંવત ૧૮૩૭ની ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીની તિથિએ સ્વામી સહજાનંદનો જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ ઘનશ્યામ હતું. બાળપણથી જ એમને ઘરસંસારમાં મન લાગતું નહી. અગિયાર વર્ષની ઉંમરે એમણે ઘરનો ત્યાગ કર્યો હતો.
હિમાલયની પહાડીમાં ગંડકી નદીના કિનારે એમણે બાલયોગીના રૃપે તપસ્યા કરી. ત્યાં એમને ગોપાલ નામના એક યોગી મળી ગયા જેમણે એમને યોગવિદ્યા પણ શીખવી. એ વખતે ઘનશ્યામનું નામ પડયું હતું. નીલકંઠ બ્રહ્મચારી. નીલકંઠ તરુણ અવસ્થામાં જ ભારતના તીર્થોના દર્શન માટે નીકળી પડયા હતા.
નીલકંઠ બ્રહ્મચારી ભારતનું ભ્રમણ કરી જૂનાગઢ જિલ્લાના લાજપુર ગામમાં આવ્યા. ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. જો કે તે વખતે રામાનંદ સ્વામી કચ્છમાં હતા અને એમના શિષ્ય મુક્તાનંદ સ્વામી આશ્રમ સંભાળતા હતા. નીલકંઠ બ્રહ્મચારી એમના આશ્રમમાં રહ્યાં.
રામાનંદ સ્વામી કચ્છથી પધાર્યા ત્યારે તેમણે નીલકંઠ બ્રહ્મચારીને વિધિપૂર્વક દીક્ષા આપી અને એમને નવા બે નામ પ્રદાન કર્યા. એક નામ સહજાનંદ સ્વામી અને બીજું નામ નારાયણ મુનિ રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની અલૌકિક પ્રતિભાને ઓળખી ગયા હતા એટલે એમને બહુમાન કરતા એકવાર કહ્યું હતું- 'અમે તો ડુગડુગી વગાડનારા હતા, ખરા વેશના ભજવનારા તો હવે આવ્યા છે.
અમે તો માત્ર પાયાની બે ઇંટો જ મૂકી છે, સાત માળની હવેલી તો એ જ ઊભી કરશે.' એકાદ વર્ષ પછી સંવત ૧૮૫૮ની કારતક સુદ ૧૧ના રોજ તેમણે સહજાનંદ સ્વામીનો પોતાની ગાદી પર અભિષેક કર્યો અને તેમને ધર્મશાસનની ધુરા સોંપી.
સહજાનંદ સ્વામીએ ભક્તિનો પ્રસાર શરૃ કર્યો. લગભગ વીસ, એકવીસ વર્ષની વયે તેમણે ભક્તોને નવો મંત્ર આપ્યો- સ્વામિનાાયણ, સ્વામિનારાયણ જપો. ભક્તો 'સ્વામિનારાયણ નારાયણ, નારાયણ' જપતા એ સાથે એમને ભાવસમાધિ લાગી જતી ! સમાધિમાં  એમને સહજાનંદ સ્વામીમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન થઇ જતા.
એટલે તે એમને 'સહજાનંદ સ્વામી' તરીકે નહી પણ 'સ્વામિનારાયણ' ભગવાન તરીકે જ બોલાવતા. સહજાનંદ સ્વામી ઊંચ- નીચ કે અમીર- ગરીબનો ભેદ કદાપિ જોતા ન હોતા. એ તો દલિત અને પતિત ગણાતા લોકો પર વિશેષ પ્રેમભાવ રાખતા હતા.
એમણે અનેક લોકોના દૂષણો અને વ્યસનો દૂર કરાવી એમને સન્માર્ગે વાળી એમને ભક્ત બનાવ્યા હતા. ખેડા જિલ્લાનો તે વખતનો ચોર- લૂંટારાનો સરદાર જોબનપગી પણ લૂંટફાટ બંધ કરી તેમનો ભક્ત બની ગયો હતો. વડતાલમાં સ્વામી મહારાજ એને ઘેર જ મુકામ કરતા. જોબન પગીએ પોતાની બધી જ જમીન વડતાલનું મંદિર બનાવવા આપી દીધી હતી. એકવાર કોઇકે જોબનપગીને કહ્યું- 'અલ્યા, તું શું સમજીને સ્વામીનારાયણ ધર્મનો અનુયાયી થયો ?
તને કોઇ લાભ થયો ? શું તમારા સ્વામિનારાયણ ગધેડાની ગાય કરી શકે છે ?' જોબનપગીએ એને  જવાબ આપતા કહ્યું હતું- 'નજરે જુઓ છો તો ય શું કામ પૂછો છો ? આ જોબન વડતાલો ચોરોનો સરદાર ! એને સ્વામિનારાયણે ભગત બનાવ્યો ને હાથમાં માળા પકડાવી ! તે ગધેડાની ગાય કરી કે નહિ ? આનાથી મોટો કયો ચમત્કાર તમારે જોઇએ ?'
ગઢડામાં એભલ ખાચરની જમીનના બે ભાગીદારો હતા. એક દાદા ખાચર અને બીજા જીવા ખાચર. બન્ને સહજાનંદ સ્વામીના પરમ ભક્તો. છતાં સ્વામીજીને દાદા ખાચર પ્રત્યે વધુ લાગણી હતી. જીવા ખાચરને ઘણી વાર થતું કે હું પણ દાદા ખાચર જેવી જ ભક્તિ કરું છું તો સ્વામીજી આવો ભેદ કેમ કરતા હશે ?
એકવાર સ્વામીજી એ બન્ને સાથે ધર્મવાર્તાલાપ કરતા હતા ત્યાં એકાએક વંટોળ આવ્યો. તેઓ સત્સંગ કરતા હતા તેની સમીપમાં માર્ગ પર કોઇ સાધુ રસોઇ કરતો હતો પણ પવનને કારણે ચૂલાનો અગ્નિ વારંવાર ઓલવાઇ જતો અને ધૂમાડો થતો. અગ્નિને ફૂંકી ફૂંકીને સાધુની આંખો લાલચોળ થઇ ગઇ હતી અને આંખમાંથી પાણી વહી જતું હતું.
સહજાનંદ સ્વામીએ આ જોયું એટલે જીવા ખાચરને કહ્યું- 'તમે આ સાધુઓને માટે કોઇ ધર્મશાળા બનાવી આપોને ?' જીવા ખાચરે કહ્યું- 'આવા તો કેટલાય સાધુઓ- વૈરાગીઓ રસ્તા પર ફરતા રહેતા હોય છે. એમને માટે ધર્મશાળા બનાવવા હું કંઇ નવરો નથી.
કેટલાને માટે બનાવવી ?' એ પછી સહજાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું- 'તમને શું લાગે છે ? તમારી આ સાધુઓને માટે ધર્મશાળા બનાવવાની ઇચ્છા ખરી ?' દાદા ખાચરે તરત જવાબ આપ્યો- 'મહારાજ, એમાં ધર્મશાળા બંધાવવાની ક્યાં જરૃર છે ?' સ્વામીજીએ પૂછયું- 'કેમ, જરૃર નથી ?' દાદા ખાચરે કહ્યું-'ધર્મશાળા બંધાવા જેટલો સમય વીતાવવાની ક્યાં જરૃર છે ? હું મારું ઘર જ એમને આપી દઉં છું !'
સહજાનંદ સ્વામીએ કહ્યું- 'તમારું ઘર આપી દેશો તો તમે ક્યાં રહેશો ?' દાદા ખાચરે કહ્યું- 'હું તમારા ભેગો રહીશ ! બટકું રોટલો તો મળી જ રહેશે !' સહજાનંદ સ્વામીએ જીવા ! ખાચર તરફ જોયું અને કહ્યું- 'જીવા ખાચર, હવે તમને સમજાયું ને કે હું દાદા ખાચર પ્રત્યે કેમ વધુ પ્રેમભાવ ધરાવું છું ? જીવા ખાચરે માથું નમાવીને કહ્યું- 'ખરું છે, મારા કરતાં દાદા ખાચરની ભક્તિ ચાર વેંત ઊંચી છે !'

''મનનો મહિમા''


મન ચેતના છે. મન વગરનો માનવી, ચેતન વગરનો જડ છે. મનનો મહિમા અપરંપાર છે. મનનો વિસ્તાર ત્રિલોક છે. તે ધારે ત્યાં જઈ શકે છે અને પલકમાં પાછું ફરી શકે છે. જો પાણીનો કોઈ રંગ હોય તો મનનો રંગ હોય, પાણીને જે રંગમાં ભેળવો તેવું તે બની જાય છે. તો મન સ્વાદ, રસ જેવું છે. મધુર, અમ્લ, લવણ, કટુ, તિકત અને કશાય. આમ મન જે બિબામાં ઢળે તે તેવું છે. પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થઈ એ-૧ ગ્રેડ મેળવે તો કહે કે મેં મનમાં ધાર્યું જ હતું. શિક્ષક કહે મારું મન જ કહેતું હતું કે તું એ-૧ ગ્રેડ લાવીશ જ. માતા-પિતા કહે અમારું મન તો રાજીના રેડ થઈ ગયું. આમ સૌના પર મનની અસર છે. ''મન કે હારે હાર હૈ, મનકી જીતે જીત, કહે કબીર પાઈએ મનકી પરતીત 'કબીર'.' મન ચંચળ છે. મન મર્કટ જેવું છે. મન વગરનું મળવું અને ભીંત સાથે ભટકાવું બરાબર છે. મન મેળ હોય તો, જીવન અમૃત , નહી તો કડવું ઝેર કહેવાય છે. મન હોય તો માળવે જવાય, મન રસ છે. ક્યારેક કડતું, તો ક્યારેક ખાટું, તો ક્યારેક મીઠું મધ જેવું ગળ્યું. પૂર્ણિમાના ચંદ્રની જેમ ન સોળે કળા ખિલ્યું હોય તો મન મોર બની થનગનાટ કરે, જો મન ઉદાસ હોય તો અમાસની અંધકારી રાત, 'માલા તો કરે મેં ફિરે, જીભ ફરે મુખમાય, મનવા તો દસ દિશા ફરે યહ તો સુમરિતનાકી' 'કબીર'. મન (રસ) ધ્યાનની માતા છે અને મન (ધ્યાન) સ્મૃતિની માતા છે.
જેનું મન મક્કમ હોય, સિધ્ધિ તેન જઈને વેરે છે. મન જેનું મરકટ હોય તેને હિમાલય પણ રોકી શકતો નથી. મનની મક્કમતાથી બાળક ધ્રુવે તપ કરીને. ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. અવિચળ પદ પ્રાપ્ત કરી, હંમેશા અફાટ આકાશમાં કાયમ ચમકતા સિતારાનું સ્થાન મેળવ્યું. મનની દ્રઢતાથી અપમાનીત એકલવ્યે ગુરુની મૂર્તિ સાથે શિક્ષા પ્રાપ્ત કરી અજોડ બાણાવળી બન્યો. તેમજ મનની મક્કમતાથી હસતા મોંએ જમણા હાથનો અંગુઠો કાપી ગુરુ દક્ષિણા આપી. ઈતિહાસના પાને અમર નામના મેળવી. મનની એકાગ્રતાથી અર્જુને મત્સ્યવેધ કર્યો. પાંડવોનો જયજયકાર થયો. 'અર્ધદગ્ધ અને અનિર્ણિત મનની દુવિધામાં દોનો ગયે માયા મિલિના રામ.' પ્રચલિત છે.કુરૃક્ષેત્રના યુધ્ધના મેદાનમાં અર્જુન મનથી હારી બેસે છે. શ્રી કૃષ્ણને કહે છે કે મારાથી યુદ્ધ નહી થાય. મારું મન વિહવળ છે. કારણ કે તે હઠીલું છે. બળવાન છે. આથી મારા મનને વશ કરવાનું વાયુની જેમ દુષ્કર છે. તોફાની હવા અને મનને રોકવું બંને સમાન છે.
મનથી હારી બેઠેલા અર્જુનને શ્રીકૃષ્ણ પ્રેરણા આપે છે. બેશક તારું  મન ચંચળ છે. ઘણી મુશીબતે વશ થાય છે. પરંતુ હે! કૌન્તેય અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે. મન દેવતા છે. મન ઈશ્વર છે. મન સૌનો આધાર છે. મનથી મોટું કાંઈ જ નથી પરંતુ હે અર્જુન તું મનથી ભાગી શકીશ નહીં. તારું મન  જ તને યુધ્ધ કરવા પ્રેરશે. કારણ કે ક્ષત્રિયવટ જે તારા મનનો રાજા છે એ વટ તને યુધ્ધ કરવા હુકમ કરશે. યુધ્ધ તારા લોહીમાં છે. માટે હે અર્જુન યુધ્ધ કરવા માટે મનથી મક્કમ થા. તારા માટે યુધ્ધ એ જ કલ્યાણ છે. હે અર્જુન જીતીશ તો પૃથ્વી ભોગવીશ નહિં તો સ્વર્ગ મળશે. હવે તો યુધ્ધ એ જ નિર્ધાર. મક્કમ, દૃઢમનથી અર્જુને યુધ્ધ કર્યું અને ઝળહળતો વિજય મેળવ્યો.
શરીર સંસ્કારોને આધિન છે. સંસ્કાર મન પર આધારિત છે. ગીતાજીએ કહ્યું છે મનઃ એવે મનુષ્યાણાં બાન્ધ મોક્ષયોં. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. ''જે મનુષ્યના બુધ્ધિરૃપ હોંશિયાર સારથી હોય લગામ પર જેનો કાબુ છે તે સંસારના દરેક માર્ગ પાર કરી શકે છે.'' પોતાના મનથી નક્કી કરેલ મંજીલ પર પહોંચે છે તે ચોક્કસ છે. મનમાં હોય તે જીત પર આવે. મનની વાત, કહેવી સાંભળવી અને લખવી ગમે છે.

શ્રીફળ


શ્રીફળ એટલે સર્વ સામાન્ય રીતે નારિયેળ. તેણે શ્રીફળ નામ કમાવ્યું છે. આજે સર્વ ધર્મકાર્યોથી પ્રારંભ કરી જીવનની અંતિમ સફર સુધી માનવને શ્રીફળનો સાથ છે. મોટા ભાગની ધાર્મિક ક્રિયાઓનો શુભારંભ શ્રીફળના બલિદાનથી થાય છે અને તેને જ શુભ પ્રારંભ અથવા મંગલ પ્રારંભ માનવામાં આવે છે.
શ્રીફળ આંતરસૌંદર્યનું દ્યોતક છે. શ્રીફળ એટલે ગુણપૂજન, ચારિત્ર્યપૂજન અને અંતઃસૌંદર્ય પૂજન. બાહ્ય સૌંદર્ય મળે કે ન મળે તે આપણા હાથની વાત નથી, પણ હું સુંદર થઈ શકું છું. આંતરસૌંદર્ય ખીલવી શકું છું, આ ભાવના શ્રીફળમાં અંતર્ગત છે. શ્રીફળને કેવળ બાહ્ય દૃષ્ટિથી જોશું તો બરછટ અને વિરૃપ લાગે. પરંતુ તે જ શ્રીફળની અંદર જોશું તો મીઠું પાણી અને પુષ્ટ કોપરુ દિસે છે. મહારાષ્ટ્રના સંતો ભગવાનને કહે છે, સુંદર મી હોણાર... તે કયું સૌંદર્ય? ટાપટીપવાળું કે પફ-પાવડર યુક્ત સૌંદર્ય બ્યુટીપાર્લરમાં મળે, જ્યારે પૂજનીય દાદાજી-પાંડુરંગશાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય કેન્દ્રો આંતરસૌંદર્ય ખીલવે છે.
મહર્ષિ અષ્ટાવક્ર કુરુપ હતા. રાજા જનકના દરબારમાં પ્રવેશતાં જ  બધા પંડિતોને 'ચમાર' કહ્યા. અષ્ટાવક્રે પૂછયું, ''શું જે કેવળ બહારનું ચર્મસૌંદર્ય જ જુએ તે ચમાર નથી?'' આજે સમાજનો બહુજન વર્ગ આ ચર્મસૌંદર્ય પાછળ પડી ચારિત્ર્ય શિથીલ થયો છે. ત્યારે શ્રીફળ આપણને સૌંદર્યાસક્ત થવાને બદલે આંતઃસૌંદર્યોપાસક થવાનું શીખવે છે.
સાંસ્કૃતિક ઈતિહાસમાં શ્રીફળના બલિદાનથી મંગલાચરણ થયું. મંદિરમાં દેવ-દેવી સમક્ષ નારિયેળ વધેરવામાં આવે છે. તેજ રીતે યજ્ઞામાં પૂર્ણાહૂતિ સમયે શ્રીફળનો હોમ કરવામાં આવે છે. દસ હજાર વર્ષના ચડતાં પડતાં માનવવંશને જોઈએ તે પહેલાંના pre-pre historic કાળમાં યજ્ઞાાર્થ હિંસાને ધર્મ માનવામાં આવતો હતો. તેમાંય નરબલિદાન વિના યજ્ઞા પૂર્ણ જ ન થાય આવી કાંઈ કેટલીય માન્યતાઓ સામે ઋષિએ સંઘર્ષ કર્યો, ત્યારે જેણે સૌપ્રથમ પ્રાણાર્પણ કર્યું, તે એટલે શ્રીફળ, માનવમન અંતર્ગત આ ભાવનાને સાચવવા ઋષિઓએ તેને વિશ્વામિત્રે રચેલી પ્રતિસૃષ્ટિના નર એટલે કે નારિયેળનું બલિદાન આપવા સૂચન કર્યું. નારિયેળનું પણ માથુ, ચોટલી, નાક, બે આંખ વગેરે હોય  છે. આટલું અપૂરતું હોય તેમ બલિદાન વખતે લોહીનો છંટકાવ તો અનિવાર્ય છે, પરંપરા છે, તેવા આગ્રહ સમયે ઋષિએ કહ્યું, 'શ્રીફળને સિંદુર લગાડ'. નર હત્યા કે પશુ હત્યા ન થતી હશે તો હું મારું સર્વસ્વ આપવા તૈયાર છું. બલિદાનની આ ઉચ્ચતમ ભાવનાથી જ તેને શ્રીફળ નામ મળ્યું છે.
શ્રી એટલે વૈભવ, બાહ્ય વૈભવ કરતા મનોવૈભવ અધિકતર છે. પૂજનીય દાદાજીએ સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે પોતાના લોહીનું ટીંપેટીંપુ આપ્યુ છે, તેથી જ તો આપણે આજે તે શ્રીફળનો સાંસ્કૃતિક અર્થ જાણી શક્યા છીએ.
સાંસ્કૃતિક બલિદાન અગ્રજ, આંતઃસૌંદર્યનું પ્રતીક તેમજ મનોવૈભવનો ત્રિવેણી સંગમ એટલે શ્રીફળ.

Wednesday 27 January 2016

કર્મની ગતિ ન્યારી છે'''''.....


કર્મ થકી માનવ જીવનનું ઘડતર થાય છે. જન્મથી મૃત્યુ સુધીના સમયગાળામાં થયેલા કર્મો જીવનનું મૂલ્ય ગણાય છે. કર્મ, અકર્મ અને વિકર્મ થકી જીવનની કિંમત થાય છે. આપણા શાસ્ત્રો પણ કર્મની સાક્ષી પૂરે છે. મહાભારતમાં દુર્યોધનના દુષ્કર્મો અને પાંડવોના સત્કર્મનો સાક્ષાત્કાર છે. સંતો, મહંતો અને ધર્મ ઉપદેશકોએ કર્મની ગતિ ન્યારી કહી છે. કારણ વિના કર્મ નથી અને કર્મ થકી કારણ ઉભું થાય છે. મૃગયા રમવાના કારણે દશરથ રાજાએ શ્રવણને મૃગ જાણીને બાણ માર્યું. શ્રવણના મૃત્યુ બાદ શાપના કારણે દશરથ રાજાને પુત્ર વિયોગે મરવું પડયું. કારણ વિના કર્મ નથી અને કર્મનું પરિણામ પણ કારણ હોય છે. સદ્વિચારો, સદાચાર અને નક્કર મનોબળથી લીધેલ નિર્ણય સારું જ પરિણામ આપે છે. શ્રી રામે વાલીને મારી નાખ્યો હતો તેના ફળસ્વરૃપે બીજા અવતારમાં શ્રી કૃષ્ણને પારધીના હાથે મરવું પડયું હતું. કર્મનો બદલો ચૂકવવો પડે છે.
રાજમહેલ પાસેથી એક સાધુ મહારાજ ભજનની એક લીટી ગાતા ગાતા જતા હતા ''કર્મની ગતિ છે ન્યારી...ન્યારી.'' રાજા સાહેબ આ લીટી વારંવાર સાંભળતા તેમના મનમાં કર્મની ગતિ જાણવાની ઇચ્છા થઈ. તેમણે સાધુ મહારાજને મહેલમાં બોલાવ્યા. કર્મની ગતિ જાણવા વિનંતી કરી એટલે સાધુ મહારાજે કહ્યું કે રાજા સાહેબ કર્મની ગતિ જાણવા માટે તમારે દૂર જંગલમાં જવું પડશે ત્યાં તમને પ્રત્યક્ષ અનુભવ થશે અને આ રહસ્ય સમજાશે તથા તમને ''તરત દાન એ મહાપુણ્ય છે.'' એ પણ સમજાશે રાજા સાહેબ દૂર જંગલમાં ચાલ્યા ગયા. અંધારું થતા નજીકમાં ઝૂંપડપટ્ટીમાં આશરો લીધો. એ ઝૂંપડીમાં ફક્ત પતિ- પત્ની જ રહેતા હતા પતિએ કહ્યું કે મહેમાન આવ્યા છે. જમવામાં ત્રણ રોટલા બનાવજે. પત્નીએ સ્વભાવ મુજબ બે રોટલા બનાવ્યા. પતિ ભૂખ્યો રહી રાજાને જમાડે છે.
રાત્રે જંગલમાં વાઘ-સિંહની બીકે મહેમાન (રાજા)ને ઝૂંપડીમાં સુવાડયા અને પતિ બહાર સૂતો. રાત્રે વાઘ આવ્યો અને પતિને મારી નાખ્યો. પત્નીએ રાજા પર આગળ મૂક્યો કે તારા કારણે મારો પતિ મૃત્યુ પામ્યો છે. પતિ સાથે પત્ની પણ બળી ગઈ. ત્યાંથી રાજા નગર તરફ જવા લાગ્યા. રસ્તામાં એક ભિખારણ બાઈને પ્રસૂતિ થઈ તે ભિખારણે તાજું જન્મેલ બાળકને ટોપલામાં નાખ્યું આ જોઈ રાજાને નવાઈ લાગી. નગરમાં પ્રવેશતા એક વિદ્વાન બ્રાહ્મણ મળ્યા તેમણે કહ્યું, ''રાજા સાહેબ, કર્મની ગતિ જાણવા આવ્યા છો તો સાંભળો અમારા નગરશેઠને ત્યાં પુત્રનો જન્મ થયો છે. તે જન્મ થયા પછી તરત જ કર્મ, અકર્મ, વિકર્મ અને પૂર્વજન્મની  વાતો કરે છે. હું તેમનો ગોરમહારાજ છું. રાજા સાહેબ તમે તેને મળજો. તમારી શંકાનું સમાધાન થઈ જશે.'' રાજા સાહેબ નગરશેઠના મહોલ્લામાં આવ્યા ત્યાં એક બાઈ ઝાડૂ લઈને સફાઈ કામ કરતી હતી. તેણે કહ્યું : ''રાજા સાહેબ, સામે દેખાય છે તે બંગલામાં નગરશેઠનો પુત્ર કર્મની ગતિ અને તરત દાનનો મહિમા જણાવે છે.
 આપ એ જાણવા આવ્યા છો.'' રાજા ત્યાં ગયા તો દૂરથી આવતા રાજાને જોઈ તાજું જન્મેલ બાળકે સ્વાગત કર્યું અને કહ્યું કે, ''કર્મની ગતિ અને તરત દાનનો મહિમા સાંભળો - જંગલની ઝૂંપડીમાં તમને જમાડીને પોતે ભૂખ્યો રહેનાર માણસ તથા રાત્રે તમારા માટે મરી જનાર માણસ બીજા અવતારમાં હું નગરશેઠને ત્યાં જન્મ્યો છું અને પોતે ધરાઈને જમનાર આરામથી ઝૂંપડીમાં સૂઈરહેનાર સ્ત્રીનો જન્મ તમે રસ્તામાં ભિખારણને ત્યાં થયોએ તમે જોયું છે. નગરમાં પ્રવેશતા તમને જે પંડિત મળ્યા તે આ નગરના વિદ્વાન પંડિત અહિયાના રાજગોર છે. ઘણાં વર્ષો પહેલા તમારો માનીતો અને તમામ શાસ્ત્રોનો જાણકાર તમારો પોપટ મરણ પામ્યો હતો તે બીજા જન્મે આ નગરમાં બ્રાહ્મણના ઘેર જન્મ્યો છે.
ઝાડૂ લઈને આ નગરમાં સાફ-સફાઈ કરનાર બાઈ એ તમારી માનીતી દાસીનો અવતારછે. શાસ્ત્રોની વાતો અને બ્રહ્મમુહૂર્તમાં સૌને જગાડનાર અનેક મંત્રોચ્ચાર કરનાર તમારા પોપટ માટે તમે સારું ભોજન મોકલતા હતા પરંતુ આ દાસી તેમાંથી ખાવાનું ચોરી લેતી હતી તેના મરણ પછી બીજા અવતારમાં આ નગરને સાફ સફાઈ કરનારને ત્યાં જન્મી.'' આ સાંભળીને રાજાને કર્મની ગતિ અને તરતદાન મહાપુણ્ય વિશે સમજાઈ ગયું. કર્મ માણસના જન્મ અને બંધનનું કારણ છે. કર્મ થકી માણસ મહાન બને છે, દેવ બને છે અને દાનવ પણ બને છે.

Sunday 24 January 2016

સૂર્યનારાયણની ઉપાસના ''''''.....

સંસ્કૃતમાં એક શ્લોક છે,
'આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર ।
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમો સ્તુતે ।।
જેનો અર્થ થાય છે,
''હે આદિદેવ સૂર્યનારાયણ ! આપને હું નમસ્કાર કરૃં છું. હે દિવ્ય પ્રકાશ આપનાર દેવ. આપ પ્રસન્ન થાઓ. હે દિવાકર, પ્રકાશિત દેવ, આપને હું પ્રણામ કરું છું.
પ્રતિદિન પૂર્વાકાશમાં પરોઢિયે સૂર્યનારાયણનાં આગમન સાથે ધરતી પર રાત્રિનો ઘોર અંધકાર વિદાય લઇ, નવી આશાઓનો સંચાર સાથે, નવલું પ્રભાત ઉદય પામતું હોય છે. સૂર્યોદય સમયની સોનેરી સવાર કેટલી રળિયામણી લાગતી હોય છે ! તો એની સાથે પંખીઓના મધુર કલરવનું સંગીત, શીતલ પવનની મંદ મંદ વહેતી લહેરીઓ, અને આકાશમાંની રંગબેરંગી રંગોળી, પૂર્વમાંના સૂર્ય ભગવાનનું સ્વાગત કરી અભિવાદન કરે છે.
ભારતની સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી આપણે સૂર્ય દેવતાની ઉપાસના કરતા આવ્યા છીએ. આપણા અનેક આરાધ્યદેવો સુક્ષ્મ સ્વરૃપે આપણી આસપાસ કે દેવસ્થાનોમાં જોવાય છે. પણ સાકાર સ્વરૃપે માત્ર એક સૂર્ય નારાયણ કરોડો વર્ષથી આપણને આંગણે દર્શન આપે છે. વેદકાલીન સંસ્કૃતિમાં સૂર્ય દેવની આરાધનાનું વિશેષ મહત્વ જોવા મળે છે.
આ પૃથ્વીનાં ગ્રહ પર સૂર્યની શક્તિ ધ્વારા જીવનનો સંચાર થતો હોય છે. એટલે જ તો સૂર્યને આદિનારાયણનું બિરૃદ આપવામાં આવ્યું છે. આપણા સૌના પ્રાણદાતા એવા સૂર્યભગવાનની અનેક મંત્ર પુષ્પાંજલિઓથી દર સુપ્રભાતે પૂજા- અર્ચન કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.
આ ભૂ:ભૂવ અને સ્વ:ના વરેણ્ય સવિત દેવને આપણા પ્રાચીન કાળના ઋષિ- મુનિઓ બાર ઉપનામોથી સંબોધતા હતા. એવા એ પ્રકાશના પૂંજ સમાસૂર્યનારાયણના બાર નમસ્કાર મંત્રો પણ કેટલા તેજસ્વી અને પ્રભાવશાળી છે. જેમ કે...
(૧) ૐ  મિત્રાય નમ:
(૨) ૐ રવયે નમ:
(૩) ૐ સૂર્યાય નમ:
(૪) ૐ ભાનુવ નમ:
(૫) ૐ ખગાય નમ:
(૬) ૐ પુષ્ણે નમ:
(૭) ૐ મરીચયે નમ:
(૮) ૐ હિરણ્ય ગર્ભાય નમ:
(૯) ૐ આદિત્યાય નમ:
(૧૦) ૐ સવિત્રે નમ:
(૧૧) ૐ અકાપ નમ:
(૧૨) ૐ ભાષ્કારાય નમ:

તું જ તારી જાતને છેતરે છે''''......


શિષ્યે ગુરુજીને પૂછયું, ''તમે કહો છો કે ભગવાનની કૃપા તો બધા ઉપર સરખી વરસ્યા કરે છે પણ મને કેમ મળતી નથી ?''
ગુરુએ કહ્યું, ''થોભ, જવાબ માટે શી ઉતાવળ છે ?'' ગુરુ મૌન બની ગયા ને શિષ્ય પણ મૌન. થોડી વારમાં તો ઓચિંતો વરસાદ વરસવા માંડયો. ગુરુ ઊભા થયા ને એક વાસણ લાવ્યા ને શિષ્યને કહ્યું, ''આ વાસણ લે ને વરસાદનું પાણી ભરી લાવ.''
શિષ્યે તો વાસણ લીધું ને બહાર જઈ વરસાદનું પાણી ભરવા માંડયો. પણ પાત્ર તો ઝીણા કાણાંવાળું હતું તેથી પાણી નીકળી જતું હતું. કાણાને લીધે પાત્ર તો ઠાલુ ને ઠાલુ રહ્યું.
ગુરુએ પૂછયું, ''પાત્રને ભરતાં આટલી વાર ?'' શિષ્યે કહ્યું, ''આ પાત્ર તો એટલાં બધા કાણાવાળું છે કે પાણી ભરાતું જ નથી. એટલે વાસણ ઠાલું રહે છે.'' ગુરુએ પૂછયું, ''વરસાદ ચાલુ છે ?'' શિષ્યે કહ્યું, ''વરસાદ ચાલુ છે. ગુરુએ કહ્યું, ''તો તારું પાત્ર કેમ ભરાતું નથી.'' શિષ્યે કહ્યું, ''કાણું છે.'' ગુરુએ  તરત કહ્યું, ''તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો ?'' શિષ્યે પ્રણામ કરી કહ્યું, ''ગુરુજી સાચેસાચ મને જવાબ મળી ગયો છે. મને સમજાઈ ગયું કે, ભગવાનની કૃપા તો ચાલુ જ છે પણ મારું જીવનરૃપી પાત્ર તૃષ્ણા- વાસનાનાં કાણાવાળું છે પછી ક્યાંથી ભરાય ?''
સદાચાર, સત્કાર્ય, પ્રભુસ્મરણ, સદ્જીવન દ્વારા આ શિષ્યે પોતાના જીવનપાત્રના કાણાં પૂરી દીધાં ને તુરત જ તેને પ્રભુકૃપા પ્રાપ્ત થયાનો અનુભવ થયો.
આપણે અધકચરી ભક્તિના બહાને ભગવાનને કહ્યા કરીએ છીએ કે, ''તારી કૃપા મારા ઉપર નથી. મારે આ દુ:ખ છે, તે દુ:ખ છે...મારે આવું જોઈએ, તેવું જોઈએ. મારી પાસે આ નથી.. તે નથી...પણ આપણું જીવન પાત્ર તો વાસના તૃષ્ણાથી કાણાવાળું છે તે આપણને દેખાતું નથી. ને આપણે તો ભગવાનના દોષ કાઢયા કરીએ છીએ. આપણે અવગુણો છોડવા તૈયાર નથી પણ પ્રભુ પાસેથી પડાવી લેવાની દુષ્ટબુદ્ધિ રાખીએ છીએ.
કોઈ આપણા માથા ઉપર હાથ મૂકી દે કે પછી ઘરમાં પગલા પાડે અને આપણે સુખી થઈ જઈએ એવી લેભાગુ ગંદી મનોવૃત્તિ આપણે ધરાવીએ છીએ. આપણે તો દૂધમાં ને દહીમાં પગ રાખવો છે. આપણે તો અધ્યારેયા ભક્તિ કરી દેખાડો કરવો છે, ખરાબ આદતો છોડવી નથી. કાવાદાવા, પ્રપંચ- પાખંડને જણસ (દાગીના)ની જેમ સાચવી રાખીએ છીએ ને ભગવાનને છેતરવા નીકળ્યા છીએ ત્યારે ભગવાન કહે છે, 'તું તારી જાતને જ છેતરે છે.'
*    સંસારનો મોહ માણસને અને ભૂંડને સરખો છે.
*    ખરાબ કર્મ સુધારો.
*    ભિખારીની જેમ, ''જીવ, ઇચ્છા ને વાસના કર્યા કરે છે.
*    જ્યાં સુધી જીવ માયાના ખોળામાં છે ત્યાં સુધી રોવાનું તો રહેવાનું જ.
*    બહારધર્મી કહેવડાવવું ને અંદર દેહને પોષવાની વૃત્તિ તે ''દંભ''
*    ''બાટ''જેમ મફતમાં કૂટાયા તેમ ''જીવ'' કૂટાયા કરે છે. જીવ જે કરશે તે તેણે ભોગવવું પડશે.

ભાગ્ય વિના નર પાવત નાહીં..

કૈલાસ પર્વતથી વિમાન માર્ગે વિહાર કરતાં કરતાં શંકર પાર્વતી પૃથ્વીનો નજારો જોતાં હતાં અને બ્રહ્માજીએ રચેલી સૃષ્ટિ પર આફરીન હતાં. તેથી જગતનાં આ માતાપિતા જેમ બને તેમ મૃત્યુલોકના માનવીના કષ્ટકાપવા તત્પર હતા.
ત્યારે એમણે નીચે નજર કરી તો એક ભગત સતત ઓમ નમ: શિવાયના જાપ કરતો કરતો નાળિયે નાળિયે જતો હતો. આ જોઇ પાર્વતીને દયા આવી તેથી શિવને કહ્યું : ''જુઓ પ્રભુ ! પેલો તમારો ભગત બિચારો સતત આપના નામનું રટણ કરતો કરતો એની મસ્તીમાં હાલ્યો જાય છે. એના દેદાર પરથી તો એ ખૂબ ગરીબ લાગે છે. એનું દારિદ્રય દૂર કરી દો પ્રભુ ! આપ તો સર્વશક્તિમાન દાતા છો. કરો નાથ ! એના પર થોડી કૃપા કરો. એક કામ કરો... એ જે નાળિયામાં જાય છે. એના રસ્તામાં એક સોનાની ઇંટ નાખી દો અને આમ પણ જુઓ પ્રભુ ! મને હવે સોનાના ઘરેણાંનો કોઇ મોહ નથી. કારણ આપના આભૂષણ સાથે એ મેચ થતાં નથી. તે એને બાપડાને એ કામ આવે. નાખી દો..''
મહાદેવી પાર્વતીની વાણી સાંભળી મરક મરક મલકાતા ભોળાનાથ બોલ્યા : ''દેવી સોનાની ઇંટ નાખવામાં મને વાંધો નથી પણ એના નસીબમાં નથી એટલે એને નહી મળે. છતાં તમારુ મન રાખવા લ્યો... એ... આ... નાખી..''
પછી બન્ને જોઇ રહ્યાં કે હવે શું થાય છે. હવે આ બાજુ નાળિયાના રસ્તે ચાલ્યા જતો પેલો ભગત મનમાં વિચારે છે.. અને સ્વગત બબડે છે ''ઓ પ્રભુ આપ કેવા દયાળુ છો ! આપે મને બે હાથ, બે પગ અને આ જગતને જોવા બે સુંદર આંખો આપી. પણ જેને આંખો નથી. એવા સુરદાસને આંખો વગર કેવી રપત પડતી હશે ! એ કેવી રીતે જોયા વિના ચાલતો હશે  ! લાવજે જરા થોડીવાર મને સુરદાસ થઇ ચાલવા દેજે..'' હવે જેવી પેલી સોનાની ઇંટ બરાબર સમીપ આવવા ને આને આંખો બંધ કરવા. તે ભગત નીકળી ગયા આગળ ને ઇંટ રહી ગઇ પાછળ.
આ જોઇ પાર્વતીએ કપાળ કૂટતાં કહ્યું : '' અરે અક્કરમી ! તને એ જ વખતે આંધળા થવાનું સૂઝ્યું ! પ્રભુ... આપની લીલા અપરમપાર છે પણ આવું કેમ ?
''જુઓ દેવી આ પૃથ્વીના જીવો. જગતના કાયદા મુજબ નહી પણ એમની મરજી મુજબ જીવે છે એટલે સતકર્મ કરતાં એમને ટાઢ વાય છે. અને અપકર્મ કરવા એ અડધી રાતે દોડે છે. એટલે કાયદો તોડો તો ફાયદો થાય. આ જીવાત્માઓ જ્યારે પૃથ્વી પર જન્મધારણ કરે ત્યારે વિધાતા છઠ્ઠીની રાતે એના પુણ્યના પોટલાને પાપકી ગઠરી તપાસી ભાગ્યના લેખ લખે છે. એમાં સત્કર્મીના લલાટે મીઠાં ફળ લખે અને અપકર્મી બધા અભાગિયા વિભાગમાં જીવી ખાય. આવા અભાગિયા તો ઊંટ પર બેઠા હોય તોય એમને કૂતરું કરડી જાય સકલ પદારથ હૈ જગમાંહી ભાગ્ય વિના નર પાવત નાહી..

સમય સમયની બલીહારી..



સમય સમય બલવાન હે, નહિ પુરુષ બલવાન કાબે અર્જુન લુંટીયો એહિ ધનુષ એહિ બાન.
કોઇપણ વ્યક્તિ સમયકાળથી ઉપર નથી. સમયનું ચક્ર અવિરતપણે ચાલતું રહે છે. જીવનમાં ક્યારેક નબળો સમય તો ક્યારેક સબળો સમય આવે છે. આમ વ્યક્તિ નહિ પણ સમય બળવાન છે,  મહાભારતના અર્જુનની જગજાહેર વાત છે. એક સમય એવો હતો કે અર્જુનના ગાંડીવ ધનુષના રણહંકારથી ધરતી ધ્રુજતી, એ જ ધનુષ્ય હાજર હોવા છતાં અર્જુનને કાબાના હાથે લુંટાવું પડયું. મનુષ્યના જીવનમાં અનેક ચઢાવ ઉતાર આવતા રહે છે. ક્યારેક ખાવા હલવા પુરી ક્યારેક સુકી રોટી. આ બધો સમયનો ખેલ છે. માણસે સમય પારખીને સમયને અનુરૃપ જીવન જીવવું જોઇએ. જો એ સમયને ન વર્તી શકે તો સમય આગળ વહી જાય છે ને વ્યક્તિ પાછળ રહી જાય છે.
 કહેવત છે કે 'સમય સમયને માન' છે. માટે 'સમય વર્તે સાવધાન.' સમય પ્રમાણે વર્તે તે સમજદાર ગણાય. વક્ત ફીલમનું એક ગીત છે. 'આદમીકો ચાહિયે  વક્ત સે ડરકર રહે, કૌન જાને કીસ ઘડી વક્તકા બદલે મિજાજ. માણસનો સમય ક્યારે બદલાય તે કહી શકાય નહિ. માણસનો એક સમય એવો હોય કે તે ઉપાડયોય ન ઉપડે. ગામઠી ભાષામાં કહેવાય કે ભાઇ ! એનો તો અત્યારે દસકો છે. વળી સમય બદલાય ને એનો કોઇ ભાવેય ન પુછે. આ બધો સમય સમયનો ખેલ છે. 'વક્ત હે ફુલો કી સેજ વક્ત હે કાંટોકા તાજ' અપાર સંપતી હોય, સુખના સાધનો હાથવગા હોય. સમાજમાં તેની વાહવાહ થતી હોય, પ્રારબ્ધને લઇને તેનો સારો સમય ચાલતો હોય, ત્યારે ઉંધુ નાખે તોય સવળું પડે પછી સમય કરવટ બદલે સમયનું વહેણ બદલાય ત્યારે સવળું નાખે તો ય ઉંધું પડે. એક દિવસ બથમાય ન સમાતો માણસ ચપટીમાં સમાય જાય ને વળી એક સમય એવો આવે કે ચપટીમાં સમાતો બથમાય ન સમાય. આને કહેવાય 'સમય-સમયની બલીહારી' હાજા ભગતે વળી સમયને આ રીતે મુલવ્યો છે :-
'છતને છાયા ઘણી, અછતને કોણ આપે,
'હાજો' કહે હોલવાણી ટાઢી ઇ ટાઢીમાં કોણ તાપે.
શિયાળામાં ટાઢ ઉડાડવા, લોકો મોટુ તાપણું કરે, આ તાપણાની આજુબાજુ, ઢુંગોવળીને બધા બેસે ને ટાઢ ઉડાળે જે તાપણામાં ભળકો બળતો હોય ત્યાં સૌ કોઇ તાપે પણ ઠરી ગયેલા તાપણા પાસે કોઇ બેસે નહિ, તાપે નહિ, છતને છાયા ઘણી અર્થાત્ જેનો સમય સારો હોય પૈસે ટકે ખુબ સુખી હોય. સુખના તમામ સાધન ઉપલબ્ધ હોય, વગદાર માણસ હોય, તેને બધાય સલામ મારે !  પણ જેને સીમમાં ખેતર ન હોય તે ગામમાં ખોરડું ન હોય એવા અછતમાં જીવતા ઠનઠનગોપાલને કોઇ બોલાવે પણ નહિ.  આજના આધુનિક યુગમાં ધન-સંપત્તિની બોલબાલા છે. પૈસાથી માણસ મોટો ગણાય છે. કહેવ; છે. ''છતમાં છોકરુ ડાહ્યું, અછતમાં ડોસી ગાંડી'' આમ છતમાં છોકરૃય ડાહ્યું લાગે ને અછતમાં ડોસીમાં પણ ગાંડા જેવા લાગે.
એક બાપા દરરોજ સવાર સાંજ ઠાકર મંદીરે દર્શન કરવા જાય, તેને સામા મળતા બધા બાપાને કહે બાપા રામરામ બાપા સામેની વ્યક્તિને રામ રામ કહે ને વળી એમ પણ કહે કે તમારા રામરામ મારા પટારાને પહોંચાડી દઇશ. આમ ઘણો સમય ચાલ્યું, એક દિવસ એક ભાઇએ બાપાને પૂછયું કે બાપા અમે તમને રામ રામ કરીએ ત્યારે તમે 'તમારા રામ રામ મારા પટારા ને કહી દઇશ, એવું શા માટે કહો છો ? ત્યારે બાપંએ ખ્દદ્ધંદ્બંે કખ્તંર્ે. હેા ઝ્રંઇ, અં દૃહેદ્ધંખ્ત હુા 'ર્ગ્દઙ્મે ઙ્મીકળ;ંે વખ્તંરે મને કોઇ બોલાવતું પણ નહિ કારણ ! તે'દિ મારો પટારો ખાલી હતો. પણ આજે મારો પટારો ભરપુર છે માટે તમો બધા મને બોલાવો છો. રામરામ કરો છો. હું તો એનો  એ જ છું પણ આ બધો સમયનો ખેલ છે કોઇનોય એક સરખો સમય રહેતો નથી.
''ભૂપ બને છે અહિ ભીખારી રંક બને છે રાજા.
અંકાયેલા લેખ વિધીના નવ કો'થી પલટાતા.
સુખ અને દુ:ખ કેરી છાયા આવે અને વહિ જાયે.
જીવન નાવ અહિ રંગ બદલતી જાયે.''
જીવન અનેક રંગ બદલે છે. સારો નરસો સમય પણ આવે છે ને ચાલ્યા જાય છે. સમય પારખી જીવન જીવાય તો સુખી ને ભૂતકાળને યાદ કરી સારા સમયને યાદ કરીને જીવીએ તો દુ:ખી થઇ જઇએ.

Wednesday 20 January 2016

ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું...


સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત જીવનપ્રાણ સ્વામીબાપાએ સૂત્ર આપ્યું છે કે, ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું...
રાત કાળી છે. રાત જેમ આગળ વધે તેમ વધુ કાળી થતી જાય છે. પરંતુ જ્યારે રાત તેના છેલ્લા અને અત્યંત કાળા સ્ટેજમાં હોય છે. ત્યારે જ સૂર્યનું કિરણ આવીને તેને છેદે છે. ધીમે- ધીમે એક પછી એક કિરણો રાતની કાળાશને ધોઇ નાંખે છે. જેનો પ્રારંભ છે. તેનો અંત પણ હોય છે. જેમ સારી પરિસ્થિતિનો અંત છે તેમ ખરાબ પરિસ્થિતિનો પણ અંત છે. તેથી જ સંતો કહે છે કે,
ધીર ધરો મનમાં સદા, સહન કરો દુ:ખ પાત,
સુખ-દુ:ખ આવે જાય છે, જેમ આવે દિન-રાત.
જિંદગી જીવો તો મજાની છે, બોજ સમજો તો જિંદગી સજાની છે. આપણે કેવું સમજીએ છે તેના ઉપર સુખ અને દુ:ખનો નિર્ધાર છે. સમજીએ તો આપણે સુખી જ છીએ. બાકી દુ:ખી લોકોથી તો આખી દુનિયા ભરી છે.
હવાથી જે થથરી જાય એ પાંદડું જલદી ખરી જાય છે. ઝંઝાવાતો સામે ઝીંક ઝીલનાર જ જીતે છે. દુ:ખથી ડરવાનું નથી. આપણે તેની સામે ભગવાનનું બળ રાખીને તેની સાથે લડીને તેને હરાવાનું છે.
સહારો છે સર્જનહારનો, પછી દરકાર શું કરવી ?
મળી છે મસ્ત જિંદગી તો, બસ સુખની લલકાર કરવી
દુ:ખો આવે ને જાયે, વહેવારની વણજાર ધરવી.
જેમ ઋતુમાં વસંત પછી પાનખર છે. દરિયામાં જો ભરતી પછી ઓટ છે, સૂર્યક્ષેત્રે જો ઉદય પછી અસ્ત છે, ચંદ્ર ક્ષેત્રે જો સુદ પછી વદ છે. આકાશ ક્ષેત્રે જો દિવસ પછી રાત છે, તો જીવન સુખ પછી દુ:ખ છે, હર્ષ પછી વિષાદ છે, સફળતા પછી નિષ્ફળતા છે. શરીર ક્ષેત્રે ભોગ પછી રોગ છે અને જન્મ પછી મરણ છે. આ ક્રમ છે તે પ્રમાણે જ દુનિયાના દરેક માણસને જીવવું પડે છે. પરંતુ ઘણા માણસો આ ક્રમમાં હારી બેસે છે. આપણે જિંદગીને જીતતાં અને જીવતા શીખવાની જરૃર છે તે શીખી જઇશું તો સુખી થઇશું.
નિરાશાઓમાં પણ આશાનો દીપ પ્રગટાવી રાખો,
પરિસ્થિતિ વિકટ આવે છતાં શ્રદ્ધાદીપ પ્રગટાવી રાખો.

Wednesday 6 January 2016

માનવ કર્મોનો સિધ્ધાંત

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રચિત 'શ્રીમદ ભગવદ્ ગીતા'માં દર્શાવેલ કર્મનો સિધ્ધાંત આજનાં સમયમાં પણ એટલો જ સુસંગત છે. મનુષ્યે પોતાનાં સારા નરસાં કર્મોના ફળ અહિંને અહિં ભોગવવા પડતા હોય છે.
એવા આ કુદરતનાં કાનૂન જેવા નિયમો આપણી જ જીવનધારાને જીવનનાં સ્વરૃપને, એક ચોક્કસ ઘાટ ઘડવામાં એક સમર્થ પરિબળ ગણાયું છે. આપણાં આ જીવાતા જીવનની ઘટતી ઘટનાઓ પ્રારબ્ધ અનુસાર નિર્ધારિત થતી હોય છે. આ રીતનાં નિયતિનાં ફરતા ચક્રને મહાસમર્થ, શક્તિશાળી પુરુષ પણ બદલાવી શકતા નથી.
એવા આ અસરકારક કર્મોનાં નિયમ તથા તેના અનુસાર નિર્ધારિત ફળને અવગણી શકે કે બદલી શકે એવું સામર્થ્ય તો માત્ર નિયંતા એટલે કે પરમેશ્વરનાં હાથમાં છે. આ જગતને ચલાવનાર પરમેશ્વર ક્યારેય નિયતિને આધીન રહેતા નથી. ઉલ્ટાનું એ નિયતિનાં ઘડનારા ગણાયા છે. તેથી તેઓ જો ઈચ્છે તો નિયતિ એટલે કે નિર્ધારિત પરિણામને પણ બદલી શકે છે.
જો કર્મનો સિધ્ધાંત આપણાં જીવને અસર કરનારું મહત્વનું પરિબળ કહેવાતું હોય તો, પરમેશ્વરનું કૃપાતત્વ પણ આ જીવનનું એક મહાન સત્ય છે. કર્મનાં ફળ કરતાં પરમેશ્વરની કૃપા હોવાની સમર્થતા અધિકતર છે, કેમકે કર્મોનાં પરિણામો તો વિધિનાં લેખો અનુસાર લખાય છે, જ્યારે પરમાત્માની કૃપા તો તેમની પ્રસન્નતામાંથી પ્રગટતી હોય છે.
એટલે તો કહેવાયું છે ને પરમાત્માની કૃપા વિના કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી. ઈચ્છિત પરિણામ મેળવવા માટે પરમેશ્વરની કૃપા હોવાનું આવશ્યક છે. જે લોકો પર પરમાત્માની કૃપા ઉતરી હોય છે. તેઓ સૌમાં ભાગ્યશાળી ગણાયા છે. કોઈ પણ નવિન કાર્ય શરૃ કરતાં પહેલાં પરમાત્માની કૃપાની કામના કરવી જરૃરી છે. કેમકે આપણા કર્મોના ફળ તો નિયતિને આધિન છે.
પણ કાર્યનું મનોવાંચ્છિત પરિણામ તો પરમેશ્વરને આધિન છે. માટે જ મનુષ્યો પરની પરમાત્માની કૃપા કોઈપણ કાર્ય કરવા કે ન કરવા કે અન્યથા કરાવવા માટે પણ તે ખૂબ સમર્થ છે, જેને કારણે કર્મનાં નિયમ તથા નિયતિ પણ બદલાઈ શકે છે. જો કે શ્રેષ્ઠ નિર્ધાર સાથે કરેલાં કાર્યોનું પરિણામ હંમેશાં ઉત્તમ મળે છે. એ વાત આજે જેટલી પ્રસ્તુત છે, એટલી આવતી કાલે પણ રહેવાની.