Sunday 24 January 2016

ભાગ્ય વિના નર પાવત નાહીં..

કૈલાસ પર્વતથી વિમાન માર્ગે વિહાર કરતાં કરતાં શંકર પાર્વતી પૃથ્વીનો નજારો જોતાં હતાં અને બ્રહ્માજીએ રચેલી સૃષ્ટિ પર આફરીન હતાં. તેથી જગતનાં આ માતાપિતા જેમ બને તેમ મૃત્યુલોકના માનવીના કષ્ટકાપવા તત્પર હતા.
ત્યારે એમણે નીચે નજર કરી તો એક ભગત સતત ઓમ નમ: શિવાયના જાપ કરતો કરતો નાળિયે નાળિયે જતો હતો. આ જોઇ પાર્વતીને દયા આવી તેથી શિવને કહ્યું : ''જુઓ પ્રભુ ! પેલો તમારો ભગત બિચારો સતત આપના નામનું રટણ કરતો કરતો એની મસ્તીમાં હાલ્યો જાય છે. એના દેદાર પરથી તો એ ખૂબ ગરીબ લાગે છે. એનું દારિદ્રય દૂર કરી દો પ્રભુ ! આપ તો સર્વશક્તિમાન દાતા છો. કરો નાથ ! એના પર થોડી કૃપા કરો. એક કામ કરો... એ જે નાળિયામાં જાય છે. એના રસ્તામાં એક સોનાની ઇંટ નાખી દો અને આમ પણ જુઓ પ્રભુ ! મને હવે સોનાના ઘરેણાંનો કોઇ મોહ નથી. કારણ આપના આભૂષણ સાથે એ મેચ થતાં નથી. તે એને બાપડાને એ કામ આવે. નાખી દો..''
મહાદેવી પાર્વતીની વાણી સાંભળી મરક મરક મલકાતા ભોળાનાથ બોલ્યા : ''દેવી સોનાની ઇંટ નાખવામાં મને વાંધો નથી પણ એના નસીબમાં નથી એટલે એને નહી મળે. છતાં તમારુ મન રાખવા લ્યો... એ... આ... નાખી..''
પછી બન્ને જોઇ રહ્યાં કે હવે શું થાય છે. હવે આ બાજુ નાળિયાના રસ્તે ચાલ્યા જતો પેલો ભગત મનમાં વિચારે છે.. અને સ્વગત બબડે છે ''ઓ પ્રભુ આપ કેવા દયાળુ છો ! આપે મને બે હાથ, બે પગ અને આ જગતને જોવા બે સુંદર આંખો આપી. પણ જેને આંખો નથી. એવા સુરદાસને આંખો વગર કેવી રપત પડતી હશે ! એ કેવી રીતે જોયા વિના ચાલતો હશે  ! લાવજે જરા થોડીવાર મને સુરદાસ થઇ ચાલવા દેજે..'' હવે જેવી પેલી સોનાની ઇંટ બરાબર સમીપ આવવા ને આને આંખો બંધ કરવા. તે ભગત નીકળી ગયા આગળ ને ઇંટ રહી ગઇ પાછળ.
આ જોઇ પાર્વતીએ કપાળ કૂટતાં કહ્યું : '' અરે અક્કરમી ! તને એ જ વખતે આંધળા થવાનું સૂઝ્યું ! પ્રભુ... આપની લીલા અપરમપાર છે પણ આવું કેમ ?
''જુઓ દેવી આ પૃથ્વીના જીવો. જગતના કાયદા મુજબ નહી પણ એમની મરજી મુજબ જીવે છે એટલે સતકર્મ કરતાં એમને ટાઢ વાય છે. અને અપકર્મ કરવા એ અડધી રાતે દોડે છે. એટલે કાયદો તોડો તો ફાયદો થાય. આ જીવાત્માઓ જ્યારે પૃથ્વી પર જન્મધારણ કરે ત્યારે વિધાતા છઠ્ઠીની રાતે એના પુણ્યના પોટલાને પાપકી ગઠરી તપાસી ભાગ્યના લેખ લખે છે. એમાં સત્કર્મીના લલાટે મીઠાં ફળ લખે અને અપકર્મી બધા અભાગિયા વિભાગમાં જીવી ખાય. આવા અભાગિયા તો ઊંટ પર બેઠા હોય તોય એમને કૂતરું કરડી જાય સકલ પદારથ હૈ જગમાંહી ભાગ્ય વિના નર પાવત નાહી..

No comments:

Post a Comment