Saturday 30 January 2016

વિચાર વીથિકા

સહજાનંદ સ્વામીએ અનેક પતિત લોકોને સુધારી એમને ભક્તિના માર્ગે વાળ્યા હતા

અયોધ્યા પાસે આવેલા છપૈયા નામના ગામમાં સંવત ૧૮૩૭ની ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીની તિથિએ સ્વામી સહજાનંદનો જન્મ થયો હતો. એમનું બાળપણનું નામ ઘનશ્યામ હતું. બાળપણથી જ એમને ઘરસંસારમાં મન લાગતું નહી. અગિયાર વર્ષની ઉંમરે એમણે ઘરનો ત્યાગ કર્યો હતો.
હિમાલયની પહાડીમાં ગંડકી નદીના કિનારે એમણે બાલયોગીના રૃપે તપસ્યા કરી. ત્યાં એમને ગોપાલ નામના એક યોગી મળી ગયા જેમણે એમને યોગવિદ્યા પણ શીખવી. એ વખતે ઘનશ્યામનું નામ પડયું હતું. નીલકંઠ બ્રહ્મચારી. નીલકંઠ તરુણ અવસ્થામાં જ ભારતના તીર્થોના દર્શન માટે નીકળી પડયા હતા.
નીલકંઠ બ્રહ્મચારી ભારતનું ભ્રમણ કરી જૂનાગઢ જિલ્લાના લાજપુર ગામમાં આવ્યા. ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. જો કે તે વખતે રામાનંદ સ્વામી કચ્છમાં હતા અને એમના શિષ્ય મુક્તાનંદ સ્વામી આશ્રમ સંભાળતા હતા. નીલકંઠ બ્રહ્મચારી એમના આશ્રમમાં રહ્યાં.
રામાનંદ સ્વામી કચ્છથી પધાર્યા ત્યારે તેમણે નીલકંઠ બ્રહ્મચારીને વિધિપૂર્વક દીક્ષા આપી અને એમને નવા બે નામ પ્રદાન કર્યા. એક નામ સહજાનંદ સ્વામી અને બીજું નામ નારાયણ મુનિ રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની અલૌકિક પ્રતિભાને ઓળખી ગયા હતા એટલે એમને બહુમાન કરતા એકવાર કહ્યું હતું- 'અમે તો ડુગડુગી વગાડનારા હતા, ખરા વેશના ભજવનારા તો હવે આવ્યા છે.
અમે તો માત્ર પાયાની બે ઇંટો જ મૂકી છે, સાત માળની હવેલી તો એ જ ઊભી કરશે.' એકાદ વર્ષ પછી સંવત ૧૮૫૮ની કારતક સુદ ૧૧ના રોજ તેમણે સહજાનંદ સ્વામીનો પોતાની ગાદી પર અભિષેક કર્યો અને તેમને ધર્મશાસનની ધુરા સોંપી.
સહજાનંદ સ્વામીએ ભક્તિનો પ્રસાર શરૃ કર્યો. લગભગ વીસ, એકવીસ વર્ષની વયે તેમણે ભક્તોને નવો મંત્ર આપ્યો- સ્વામિનાાયણ, સ્વામિનારાયણ જપો. ભક્તો 'સ્વામિનારાયણ નારાયણ, નારાયણ' જપતા એ સાથે એમને ભાવસમાધિ લાગી જતી ! સમાધિમાં  એમને સહજાનંદ સ્વામીમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન થઇ જતા.
એટલે તે એમને 'સહજાનંદ સ્વામી' તરીકે નહી પણ 'સ્વામિનારાયણ' ભગવાન તરીકે જ બોલાવતા. સહજાનંદ સ્વામી ઊંચ- નીચ કે અમીર- ગરીબનો ભેદ કદાપિ જોતા ન હોતા. એ તો દલિત અને પતિત ગણાતા લોકો પર વિશેષ પ્રેમભાવ રાખતા હતા.
એમણે અનેક લોકોના દૂષણો અને વ્યસનો દૂર કરાવી એમને સન્માર્ગે વાળી એમને ભક્ત બનાવ્યા હતા. ખેડા જિલ્લાનો તે વખતનો ચોર- લૂંટારાનો સરદાર જોબનપગી પણ લૂંટફાટ બંધ કરી તેમનો ભક્ત બની ગયો હતો. વડતાલમાં સ્વામી મહારાજ એને ઘેર જ મુકામ કરતા. જોબન પગીએ પોતાની બધી જ જમીન વડતાલનું મંદિર બનાવવા આપી દીધી હતી. એકવાર કોઇકે જોબનપગીને કહ્યું- 'અલ્યા, તું શું સમજીને સ્વામીનારાયણ ધર્મનો અનુયાયી થયો ?
તને કોઇ લાભ થયો ? શું તમારા સ્વામિનારાયણ ગધેડાની ગાય કરી શકે છે ?' જોબનપગીએ એને  જવાબ આપતા કહ્યું હતું- 'નજરે જુઓ છો તો ય શું કામ પૂછો છો ? આ જોબન વડતાલો ચોરોનો સરદાર ! એને સ્વામિનારાયણે ભગત બનાવ્યો ને હાથમાં માળા પકડાવી ! તે ગધેડાની ગાય કરી કે નહિ ? આનાથી મોટો કયો ચમત્કાર તમારે જોઇએ ?'
ગઢડામાં એભલ ખાચરની જમીનના બે ભાગીદારો હતા. એક દાદા ખાચર અને બીજા જીવા ખાચર. બન્ને સહજાનંદ સ્વામીના પરમ ભક્તો. છતાં સ્વામીજીને દાદા ખાચર પ્રત્યે વધુ લાગણી હતી. જીવા ખાચરને ઘણી વાર થતું કે હું પણ દાદા ખાચર જેવી જ ભક્તિ કરું છું તો સ્વામીજી આવો ભેદ કેમ કરતા હશે ?
એકવાર સ્વામીજી એ બન્ને સાથે ધર્મવાર્તાલાપ કરતા હતા ત્યાં એકાએક વંટોળ આવ્યો. તેઓ સત્સંગ કરતા હતા તેની સમીપમાં માર્ગ પર કોઇ સાધુ રસોઇ કરતો હતો પણ પવનને કારણે ચૂલાનો અગ્નિ વારંવાર ઓલવાઇ જતો અને ધૂમાડો થતો. અગ્નિને ફૂંકી ફૂંકીને સાધુની આંખો લાલચોળ થઇ ગઇ હતી અને આંખમાંથી પાણી વહી જતું હતું.
સહજાનંદ સ્વામીએ આ જોયું એટલે જીવા ખાચરને કહ્યું- 'તમે આ સાધુઓને માટે કોઇ ધર્મશાળા બનાવી આપોને ?' જીવા ખાચરે કહ્યું- 'આવા તો કેટલાય સાધુઓ- વૈરાગીઓ રસ્તા પર ફરતા રહેતા હોય છે. એમને માટે ધર્મશાળા બનાવવા હું કંઇ નવરો નથી.
કેટલાને માટે બનાવવી ?' એ પછી સહજાનંદ સ્વામીએ દાદા ખાચરને કહ્યું- 'તમને શું લાગે છે ? તમારી આ સાધુઓને માટે ધર્મશાળા બનાવવાની ઇચ્છા ખરી ?' દાદા ખાચરે તરત જવાબ આપ્યો- 'મહારાજ, એમાં ધર્મશાળા બંધાવવાની ક્યાં જરૃર છે ?' સ્વામીજીએ પૂછયું- 'કેમ, જરૃર નથી ?' દાદા ખાચરે કહ્યું-'ધર્મશાળા બંધાવા જેટલો સમય વીતાવવાની ક્યાં જરૃર છે ? હું મારું ઘર જ એમને આપી દઉં છું !'
સહજાનંદ સ્વામીએ કહ્યું- 'તમારું ઘર આપી દેશો તો તમે ક્યાં રહેશો ?' દાદા ખાચરે કહ્યું- 'હું તમારા ભેગો રહીશ ! બટકું રોટલો તો મળી જ રહેશે !' સહજાનંદ સ્વામીએ જીવા ! ખાચર તરફ જોયું અને કહ્યું- 'જીવા ખાચર, હવે તમને સમજાયું ને કે હું દાદા ખાચર પ્રત્યે કેમ વધુ પ્રેમભાવ ધરાવું છું ? જીવા ખાચરે માથું નમાવીને કહ્યું- 'ખરું છે, મારા કરતાં દાદા ખાચરની ભક્તિ ચાર વેંત ઊંચી છે !'

No comments:

Post a Comment