Saturday 30 January 2016

શ્રીફળ


શ્રીફળ એટલે સર્વ સામાન્ય રીતે નારિયેળ. તેણે શ્રીફળ નામ કમાવ્યું છે. આજે સર્વ ધર્મકાર્યોથી પ્રારંભ કરી જીવનની અંતિમ સફર સુધી માનવને શ્રીફળનો સાથ છે. મોટા ભાગની ધાર્મિક ક્રિયાઓનો શુભારંભ શ્રીફળના બલિદાનથી થાય છે અને તેને જ શુભ પ્રારંભ અથવા મંગલ પ્રારંભ માનવામાં આવે છે.
શ્રીફળ આંતરસૌંદર્યનું દ્યોતક છે. શ્રીફળ એટલે ગુણપૂજન, ચારિત્ર્યપૂજન અને અંતઃસૌંદર્ય પૂજન. બાહ્ય સૌંદર્ય મળે કે ન મળે તે આપણા હાથની વાત નથી, પણ હું સુંદર થઈ શકું છું. આંતરસૌંદર્ય ખીલવી શકું છું, આ ભાવના શ્રીફળમાં અંતર્ગત છે. શ્રીફળને કેવળ બાહ્ય દૃષ્ટિથી જોશું તો બરછટ અને વિરૃપ લાગે. પરંતુ તે જ શ્રીફળની અંદર જોશું તો મીઠું પાણી અને પુષ્ટ કોપરુ દિસે છે. મહારાષ્ટ્રના સંતો ભગવાનને કહે છે, સુંદર મી હોણાર... તે કયું સૌંદર્ય? ટાપટીપવાળું કે પફ-પાવડર યુક્ત સૌંદર્ય બ્યુટીપાર્લરમાં મળે, જ્યારે પૂજનીય દાદાજી-પાંડુરંગશાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય કેન્દ્રો આંતરસૌંદર્ય ખીલવે છે.
મહર્ષિ અષ્ટાવક્ર કુરુપ હતા. રાજા જનકના દરબારમાં પ્રવેશતાં જ  બધા પંડિતોને 'ચમાર' કહ્યા. અષ્ટાવક્રે પૂછયું, ''શું જે કેવળ બહારનું ચર્મસૌંદર્ય જ જુએ તે ચમાર નથી?'' આજે સમાજનો બહુજન વર્ગ આ ચર્મસૌંદર્ય પાછળ પડી ચારિત્ર્ય શિથીલ થયો છે. ત્યારે શ્રીફળ આપણને સૌંદર્યાસક્ત થવાને બદલે આંતઃસૌંદર્યોપાસક થવાનું શીખવે છે.
સાંસ્કૃતિક ઈતિહાસમાં શ્રીફળના બલિદાનથી મંગલાચરણ થયું. મંદિરમાં દેવ-દેવી સમક્ષ નારિયેળ વધેરવામાં આવે છે. તેજ રીતે યજ્ઞામાં પૂર્ણાહૂતિ સમયે શ્રીફળનો હોમ કરવામાં આવે છે. દસ હજાર વર્ષના ચડતાં પડતાં માનવવંશને જોઈએ તે પહેલાંના pre-pre historic કાળમાં યજ્ઞાાર્થ હિંસાને ધર્મ માનવામાં આવતો હતો. તેમાંય નરબલિદાન વિના યજ્ઞા પૂર્ણ જ ન થાય આવી કાંઈ કેટલીય માન્યતાઓ સામે ઋષિએ સંઘર્ષ કર્યો, ત્યારે જેણે સૌપ્રથમ પ્રાણાર્પણ કર્યું, તે એટલે શ્રીફળ, માનવમન અંતર્ગત આ ભાવનાને સાચવવા ઋષિઓએ તેને વિશ્વામિત્રે રચેલી પ્રતિસૃષ્ટિના નર એટલે કે નારિયેળનું બલિદાન આપવા સૂચન કર્યું. નારિયેળનું પણ માથુ, ચોટલી, નાક, બે આંખ વગેરે હોય  છે. આટલું અપૂરતું હોય તેમ બલિદાન વખતે લોહીનો છંટકાવ તો અનિવાર્ય છે, પરંપરા છે, તેવા આગ્રહ સમયે ઋષિએ કહ્યું, 'શ્રીફળને સિંદુર લગાડ'. નર હત્યા કે પશુ હત્યા ન થતી હશે તો હું મારું સર્વસ્વ આપવા તૈયાર છું. બલિદાનની આ ઉચ્ચતમ ભાવનાથી જ તેને શ્રીફળ નામ મળ્યું છે.
શ્રી એટલે વૈભવ, બાહ્ય વૈભવ કરતા મનોવૈભવ અધિકતર છે. પૂજનીય દાદાજીએ સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે પોતાના લોહીનું ટીંપેટીંપુ આપ્યુ છે, તેથી જ તો આપણે આજે તે શ્રીફળનો સાંસ્કૃતિક અર્થ જાણી શક્યા છીએ.
સાંસ્કૃતિક બલિદાન અગ્રજ, આંતઃસૌંદર્યનું પ્રતીક તેમજ મનોવૈભવનો ત્રિવેણી સંગમ એટલે શ્રીફળ.

No comments:

Post a Comment