
રાજમહેલ પાસેથી એક સાધુ મહારાજ ભજનની એક લીટી ગાતા ગાતા જતા હતા ''કર્મની ગતિ છે ન્યારી...ન્યારી.'' રાજા સાહેબ આ લીટી વારંવાર સાંભળતા તેમના મનમાં કર્મની ગતિ જાણવાની ઇચ્છા થઈ. તેમણે સાધુ મહારાજને મહેલમાં બોલાવ્યા. કર્મની ગતિ જાણવા વિનંતી કરી એટલે સાધુ મહારાજે કહ્યું કે રાજા સાહેબ કર્મની ગતિ જાણવા માટે તમારે દૂર જંગલમાં જવું પડશે ત્યાં તમને પ્રત્યક્ષ અનુભવ થશે અને આ રહસ્ય સમજાશે તથા તમને ''તરત દાન એ મહાપુણ્ય છે.'' એ પણ સમજાશે રાજા સાહેબ દૂર જંગલમાં ચાલ્યા ગયા. અંધારું થતા નજીકમાં ઝૂંપડપટ્ટીમાં આશરો લીધો. એ ઝૂંપડીમાં ફક્ત પતિ- પત્ની જ રહેતા હતા પતિએ કહ્યું કે મહેમાન આવ્યા છે. જમવામાં ત્રણ રોટલા બનાવજે. પત્નીએ સ્વભાવ મુજબ બે રોટલા બનાવ્યા. પતિ ભૂખ્યો રહી રાજાને જમાડે છે.
રાત્રે જંગલમાં વાઘ-સિંહની બીકે મહેમાન (રાજા)ને ઝૂંપડીમાં સુવાડયા અને પતિ બહાર સૂતો. રાત્રે વાઘ આવ્યો અને પતિને મારી નાખ્યો. પત્નીએ રાજા પર આગળ મૂક્યો કે તારા કારણે મારો પતિ મૃત્યુ પામ્યો છે. પતિ સાથે પત્ની પણ બળી ગઈ. ત્યાંથી રાજા નગર તરફ જવા લાગ્યા. રસ્તામાં એક ભિખારણ બાઈને પ્રસૂતિ થઈ તે ભિખારણે તાજું જન્મેલ બાળકને ટોપલામાં નાખ્યું આ જોઈ રાજાને નવાઈ લાગી. નગરમાં પ્રવેશતા એક વિદ્વાન બ્રાહ્મણ મળ્યા તેમણે કહ્યું, ''રાજા સાહેબ, કર્મની ગતિ જાણવા આવ્યા છો તો સાંભળો અમારા નગરશેઠને ત્યાં પુત્રનો જન્મ થયો છે. તે જન્મ થયા પછી તરત જ કર્મ, અકર્મ, વિકર્મ અને પૂર્વજન્મની વાતો કરે છે. હું તેમનો ગોરમહારાજ છું. રાજા સાહેબ તમે તેને મળજો. તમારી શંકાનું સમાધાન થઈ જશે.'' રાજા સાહેબ નગરશેઠના મહોલ્લામાં આવ્યા ત્યાં એક બાઈ ઝાડૂ લઈને સફાઈ કામ કરતી હતી. તેણે કહ્યું : ''રાજા સાહેબ, સામે દેખાય છે તે બંગલામાં નગરશેઠનો પુત્ર કર્મની ગતિ અને તરત દાનનો મહિમા જણાવે છે.
આપ એ જાણવા આવ્યા છો.'' રાજા ત્યાં ગયા તો દૂરથી આવતા રાજાને જોઈ તાજું જન્મેલ બાળકે સ્વાગત કર્યું અને કહ્યું કે, ''કર્મની ગતિ અને તરત દાનનો મહિમા સાંભળો - જંગલની ઝૂંપડીમાં તમને જમાડીને પોતે ભૂખ્યો રહેનાર માણસ તથા રાત્રે તમારા માટે મરી જનાર માણસ બીજા અવતારમાં હું નગરશેઠને ત્યાં જન્મ્યો છું અને પોતે ધરાઈને જમનાર આરામથી ઝૂંપડીમાં સૂઈરહેનાર સ્ત્રીનો જન્મ તમે રસ્તામાં ભિખારણને ત્યાં થયોએ તમે જોયું છે. નગરમાં પ્રવેશતા તમને જે પંડિત મળ્યા તે આ નગરના વિદ્વાન પંડિત અહિયાના રાજગોર છે. ઘણાં વર્ષો પહેલા તમારો માનીતો અને તમામ શાસ્ત્રોનો જાણકાર તમારો પોપટ મરણ પામ્યો હતો તે બીજા જન્મે આ નગરમાં બ્રાહ્મણના ઘેર જન્મ્યો છે.
ઝાડૂ લઈને આ નગરમાં સાફ-સફાઈ કરનાર બાઈ એ તમારી માનીતી દાસીનો અવતારછે. શાસ્ત્રોની વાતો અને બ્રહ્મમુહૂર્તમાં સૌને જગાડનાર અનેક મંત્રોચ્ચાર કરનાર તમારા પોપટ માટે તમે સારું ભોજન મોકલતા હતા પરંતુ આ દાસી તેમાંથી ખાવાનું ચોરી લેતી હતી તેના મરણ પછી બીજા અવતારમાં આ નગરને સાફ સફાઈ કરનારને ત્યાં જન્મી.'' આ સાંભળીને રાજાને કર્મની ગતિ અને તરતદાન મહાપુણ્ય વિશે સમજાઈ ગયું. કર્મ માણસના જન્મ અને બંધનનું કારણ છે. કર્મ થકી માણસ મહાન બને છે, દેવ બને છે અને દાનવ પણ બને છે.
No comments:
Post a Comment