Wednesday 20 January 2016

ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું...


સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત જીવનપ્રાણ સ્વામીબાપાએ સૂત્ર આપ્યું છે કે, ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું...
રાત કાળી છે. રાત જેમ આગળ વધે તેમ વધુ કાળી થતી જાય છે. પરંતુ જ્યારે રાત તેના છેલ્લા અને અત્યંત કાળા સ્ટેજમાં હોય છે. ત્યારે જ સૂર્યનું કિરણ આવીને તેને છેદે છે. ધીમે- ધીમે એક પછી એક કિરણો રાતની કાળાશને ધોઇ નાંખે છે. જેનો પ્રારંભ છે. તેનો અંત પણ હોય છે. જેમ સારી પરિસ્થિતિનો અંત છે તેમ ખરાબ પરિસ્થિતિનો પણ અંત છે. તેથી જ સંતો કહે છે કે,
ધીર ધરો મનમાં સદા, સહન કરો દુ:ખ પાત,
સુખ-દુ:ખ આવે જાય છે, જેમ આવે દિન-રાત.
જિંદગી જીવો તો મજાની છે, બોજ સમજો તો જિંદગી સજાની છે. આપણે કેવું સમજીએ છે તેના ઉપર સુખ અને દુ:ખનો નિર્ધાર છે. સમજીએ તો આપણે સુખી જ છીએ. બાકી દુ:ખી લોકોથી તો આખી દુનિયા ભરી છે.
હવાથી જે થથરી જાય એ પાંદડું જલદી ખરી જાય છે. ઝંઝાવાતો સામે ઝીંક ઝીલનાર જ જીતે છે. દુ:ખથી ડરવાનું નથી. આપણે તેની સામે ભગવાનનું બળ રાખીને તેની સાથે લડીને તેને હરાવાનું છે.
સહારો છે સર્જનહારનો, પછી દરકાર શું કરવી ?
મળી છે મસ્ત જિંદગી તો, બસ સુખની લલકાર કરવી
દુ:ખો આવે ને જાયે, વહેવારની વણજાર ધરવી.
જેમ ઋતુમાં વસંત પછી પાનખર છે. દરિયામાં જો ભરતી પછી ઓટ છે, સૂર્યક્ષેત્રે જો ઉદય પછી અસ્ત છે, ચંદ્ર ક્ષેત્રે જો સુદ પછી વદ છે. આકાશ ક્ષેત્રે જો દિવસ પછી રાત છે, તો જીવન સુખ પછી દુ:ખ છે, હર્ષ પછી વિષાદ છે, સફળતા પછી નિષ્ફળતા છે. શરીર ક્ષેત્રે ભોગ પછી રોગ છે અને જન્મ પછી મરણ છે. આ ક્રમ છે તે પ્રમાણે જ દુનિયાના દરેક માણસને જીવવું પડે છે. પરંતુ ઘણા માણસો આ ક્રમમાં હારી બેસે છે. આપણે જિંદગીને જીતતાં અને જીવતા શીખવાની જરૃર છે તે શીખી જઇશું તો સુખી થઇશું.
નિરાશાઓમાં પણ આશાનો દીપ પ્રગટાવી રાખો,
પરિસ્થિતિ વિકટ આવે છતાં શ્રદ્ધાદીપ પ્રગટાવી રાખો.

No comments:

Post a Comment