Saturday 30 January 2016

''મનનો મહિમા''


મન ચેતના છે. મન વગરનો માનવી, ચેતન વગરનો જડ છે. મનનો મહિમા અપરંપાર છે. મનનો વિસ્તાર ત્રિલોક છે. તે ધારે ત્યાં જઈ શકે છે અને પલકમાં પાછું ફરી શકે છે. જો પાણીનો કોઈ રંગ હોય તો મનનો રંગ હોય, પાણીને જે રંગમાં ભેળવો તેવું તે બની જાય છે. તો મન સ્વાદ, રસ જેવું છે. મધુર, અમ્લ, લવણ, કટુ, તિકત અને કશાય. આમ મન જે બિબામાં ઢળે તે તેવું છે. પરીક્ષામાં વિદ્યાર્થી પાસ થઈ એ-૧ ગ્રેડ મેળવે તો કહે કે મેં મનમાં ધાર્યું જ હતું. શિક્ષક કહે મારું મન જ કહેતું હતું કે તું એ-૧ ગ્રેડ લાવીશ જ. માતા-પિતા કહે અમારું મન તો રાજીના રેડ થઈ ગયું. આમ સૌના પર મનની અસર છે. ''મન કે હારે હાર હૈ, મનકી જીતે જીત, કહે કબીર પાઈએ મનકી પરતીત 'કબીર'.' મન ચંચળ છે. મન મર્કટ જેવું છે. મન વગરનું મળવું અને ભીંત સાથે ભટકાવું બરાબર છે. મન મેળ હોય તો, જીવન અમૃત , નહી તો કડવું ઝેર કહેવાય છે. મન હોય તો માળવે જવાય, મન રસ છે. ક્યારેક કડતું, તો ક્યારેક ખાટું, તો ક્યારેક મીઠું મધ જેવું ગળ્યું. પૂર્ણિમાના ચંદ્રની જેમ ન સોળે કળા ખિલ્યું હોય તો મન મોર બની થનગનાટ કરે, જો મન ઉદાસ હોય તો અમાસની અંધકારી રાત, 'માલા તો કરે મેં ફિરે, જીભ ફરે મુખમાય, મનવા તો દસ દિશા ફરે યહ તો સુમરિતનાકી' 'કબીર'. મન (રસ) ધ્યાનની માતા છે અને મન (ધ્યાન) સ્મૃતિની માતા છે.
જેનું મન મક્કમ હોય, સિધ્ધિ તેન જઈને વેરે છે. મન જેનું મરકટ હોય તેને હિમાલય પણ રોકી શકતો નથી. મનની મક્કમતાથી બાળક ધ્રુવે તપ કરીને. ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. અવિચળ પદ પ્રાપ્ત કરી, હંમેશા અફાટ આકાશમાં કાયમ ચમકતા સિતારાનું સ્થાન મેળવ્યું. મનની દ્રઢતાથી અપમાનીત એકલવ્યે ગુરુની મૂર્તિ સાથે શિક્ષા પ્રાપ્ત કરી અજોડ બાણાવળી બન્યો. તેમજ મનની મક્કમતાથી હસતા મોંએ જમણા હાથનો અંગુઠો કાપી ગુરુ દક્ષિણા આપી. ઈતિહાસના પાને અમર નામના મેળવી. મનની એકાગ્રતાથી અર્જુને મત્સ્યવેધ કર્યો. પાંડવોનો જયજયકાર થયો. 'અર્ધદગ્ધ અને અનિર્ણિત મનની દુવિધામાં દોનો ગયે માયા મિલિના રામ.' પ્રચલિત છે.કુરૃક્ષેત્રના યુધ્ધના મેદાનમાં અર્જુન મનથી હારી બેસે છે. શ્રી કૃષ્ણને કહે છે કે મારાથી યુદ્ધ નહી થાય. મારું મન વિહવળ છે. કારણ કે તે હઠીલું છે. બળવાન છે. આથી મારા મનને વશ કરવાનું વાયુની જેમ દુષ્કર છે. તોફાની હવા અને મનને રોકવું બંને સમાન છે.
મનથી હારી બેઠેલા અર્જુનને શ્રીકૃષ્ણ પ્રેરણા આપે છે. બેશક તારું  મન ચંચળ છે. ઘણી મુશીબતે વશ થાય છે. પરંતુ હે! કૌન્તેય અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે. મન દેવતા છે. મન ઈશ્વર છે. મન સૌનો આધાર છે. મનથી મોટું કાંઈ જ નથી પરંતુ હે અર્જુન તું મનથી ભાગી શકીશ નહીં. તારું મન  જ તને યુધ્ધ કરવા પ્રેરશે. કારણ કે ક્ષત્રિયવટ જે તારા મનનો રાજા છે એ વટ તને યુધ્ધ કરવા હુકમ કરશે. યુધ્ધ તારા લોહીમાં છે. માટે હે અર્જુન યુધ્ધ કરવા માટે મનથી મક્કમ થા. તારા માટે યુધ્ધ એ જ કલ્યાણ છે. હે અર્જુન જીતીશ તો પૃથ્વી ભોગવીશ નહિં તો સ્વર્ગ મળશે. હવે તો યુધ્ધ એ જ નિર્ધાર. મક્કમ, દૃઢમનથી અર્જુને યુધ્ધ કર્યું અને ઝળહળતો વિજય મેળવ્યો.
શરીર સંસ્કારોને આધિન છે. સંસ્કાર મન પર આધારિત છે. ગીતાજીએ કહ્યું છે મનઃ એવે મનુષ્યાણાં બાન્ધ મોક્ષયોં. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. ''જે મનુષ્યના બુધ્ધિરૃપ હોંશિયાર સારથી હોય લગામ પર જેનો કાબુ છે તે સંસારના દરેક માર્ગ પાર કરી શકે છે.'' પોતાના મનથી નક્કી કરેલ મંજીલ પર પહોંચે છે તે ચોક્કસ છે. મનમાં હોય તે જીત પર આવે. મનની વાત, કહેવી સાંભળવી અને લખવી ગમે છે.

No comments:

Post a Comment