Wednesday 6 January 2016

માનવ કર્મોનો સિધ્ધાંત

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રચિત 'શ્રીમદ ભગવદ્ ગીતા'માં દર્શાવેલ કર્મનો સિધ્ધાંત આજનાં સમયમાં પણ એટલો જ સુસંગત છે. મનુષ્યે પોતાનાં સારા નરસાં કર્મોના ફળ અહિંને અહિં ભોગવવા પડતા હોય છે.
એવા આ કુદરતનાં કાનૂન જેવા નિયમો આપણી જ જીવનધારાને જીવનનાં સ્વરૃપને, એક ચોક્કસ ઘાટ ઘડવામાં એક સમર્થ પરિબળ ગણાયું છે. આપણાં આ જીવાતા જીવનની ઘટતી ઘટનાઓ પ્રારબ્ધ અનુસાર નિર્ધારિત થતી હોય છે. આ રીતનાં નિયતિનાં ફરતા ચક્રને મહાસમર્થ, શક્તિશાળી પુરુષ પણ બદલાવી શકતા નથી.
એવા આ અસરકારક કર્મોનાં નિયમ તથા તેના અનુસાર નિર્ધારિત ફળને અવગણી શકે કે બદલી શકે એવું સામર્થ્ય તો માત્ર નિયંતા એટલે કે પરમેશ્વરનાં હાથમાં છે. આ જગતને ચલાવનાર પરમેશ્વર ક્યારેય નિયતિને આધીન રહેતા નથી. ઉલ્ટાનું એ નિયતિનાં ઘડનારા ગણાયા છે. તેથી તેઓ જો ઈચ્છે તો નિયતિ એટલે કે નિર્ધારિત પરિણામને પણ બદલી શકે છે.
જો કર્મનો સિધ્ધાંત આપણાં જીવને અસર કરનારું મહત્વનું પરિબળ કહેવાતું હોય તો, પરમેશ્વરનું કૃપાતત્વ પણ આ જીવનનું એક મહાન સત્ય છે. કર્મનાં ફળ કરતાં પરમેશ્વરની કૃપા હોવાની સમર્થતા અધિકતર છે, કેમકે કર્મોનાં પરિણામો તો વિધિનાં લેખો અનુસાર લખાય છે, જ્યારે પરમાત્માની કૃપા તો તેમની પ્રસન્નતામાંથી પ્રગટતી હોય છે.
એટલે તો કહેવાયું છે ને પરમાત્માની કૃપા વિના કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી. ઈચ્છિત પરિણામ મેળવવા માટે પરમેશ્વરની કૃપા હોવાનું આવશ્યક છે. જે લોકો પર પરમાત્માની કૃપા ઉતરી હોય છે. તેઓ સૌમાં ભાગ્યશાળી ગણાયા છે. કોઈ પણ નવિન કાર્ય શરૃ કરતાં પહેલાં પરમાત્માની કૃપાની કામના કરવી જરૃરી છે. કેમકે આપણા કર્મોના ફળ તો નિયતિને આધિન છે.
પણ કાર્યનું મનોવાંચ્છિત પરિણામ તો પરમેશ્વરને આધિન છે. માટે જ મનુષ્યો પરની પરમાત્માની કૃપા કોઈપણ કાર્ય કરવા કે ન કરવા કે અન્યથા કરાવવા માટે પણ તે ખૂબ સમર્થ છે, જેને કારણે કર્મનાં નિયમ તથા નિયતિ પણ બદલાઈ શકે છે. જો કે શ્રેષ્ઠ નિર્ધાર સાથે કરેલાં કાર્યોનું પરિણામ હંમેશાં ઉત્તમ મળે છે. એ વાત આજે જેટલી પ્રસ્તુત છે, એટલી આવતી કાલે પણ રહેવાની.

No comments:

Post a Comment