Sunday 24 January 2016

તું જ તારી જાતને છેતરે છે''''......


શિષ્યે ગુરુજીને પૂછયું, ''તમે કહો છો કે ભગવાનની કૃપા તો બધા ઉપર સરખી વરસ્યા કરે છે પણ મને કેમ મળતી નથી ?''
ગુરુએ કહ્યું, ''થોભ, જવાબ માટે શી ઉતાવળ છે ?'' ગુરુ મૌન બની ગયા ને શિષ્ય પણ મૌન. થોડી વારમાં તો ઓચિંતો વરસાદ વરસવા માંડયો. ગુરુ ઊભા થયા ને એક વાસણ લાવ્યા ને શિષ્યને કહ્યું, ''આ વાસણ લે ને વરસાદનું પાણી ભરી લાવ.''
શિષ્યે તો વાસણ લીધું ને બહાર જઈ વરસાદનું પાણી ભરવા માંડયો. પણ પાત્ર તો ઝીણા કાણાંવાળું હતું તેથી પાણી નીકળી જતું હતું. કાણાને લીધે પાત્ર તો ઠાલુ ને ઠાલુ રહ્યું.
ગુરુએ પૂછયું, ''પાત્રને ભરતાં આટલી વાર ?'' શિષ્યે કહ્યું, ''આ પાત્ર તો એટલાં બધા કાણાવાળું છે કે પાણી ભરાતું જ નથી. એટલે વાસણ ઠાલું રહે છે.'' ગુરુએ પૂછયું, ''વરસાદ ચાલુ છે ?'' શિષ્યે કહ્યું, ''વરસાદ ચાલુ છે. ગુરુએ કહ્યું, ''તો તારું પાત્ર કેમ ભરાતું નથી.'' શિષ્યે કહ્યું, ''કાણું છે.'' ગુરુએ  તરત કહ્યું, ''તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો ?'' શિષ્યે પ્રણામ કરી કહ્યું, ''ગુરુજી સાચેસાચ મને જવાબ મળી ગયો છે. મને સમજાઈ ગયું કે, ભગવાનની કૃપા તો ચાલુ જ છે પણ મારું જીવનરૃપી પાત્ર તૃષ્ણા- વાસનાનાં કાણાવાળું છે પછી ક્યાંથી ભરાય ?''
સદાચાર, સત્કાર્ય, પ્રભુસ્મરણ, સદ્જીવન દ્વારા આ શિષ્યે પોતાના જીવનપાત્રના કાણાં પૂરી દીધાં ને તુરત જ તેને પ્રભુકૃપા પ્રાપ્ત થયાનો અનુભવ થયો.
આપણે અધકચરી ભક્તિના બહાને ભગવાનને કહ્યા કરીએ છીએ કે, ''તારી કૃપા મારા ઉપર નથી. મારે આ દુ:ખ છે, તે દુ:ખ છે...મારે આવું જોઈએ, તેવું જોઈએ. મારી પાસે આ નથી.. તે નથી...પણ આપણું જીવન પાત્ર તો વાસના તૃષ્ણાથી કાણાવાળું છે તે આપણને દેખાતું નથી. ને આપણે તો ભગવાનના દોષ કાઢયા કરીએ છીએ. આપણે અવગુણો છોડવા તૈયાર નથી પણ પ્રભુ પાસેથી પડાવી લેવાની દુષ્ટબુદ્ધિ રાખીએ છીએ.
કોઈ આપણા માથા ઉપર હાથ મૂકી દે કે પછી ઘરમાં પગલા પાડે અને આપણે સુખી થઈ જઈએ એવી લેભાગુ ગંદી મનોવૃત્તિ આપણે ધરાવીએ છીએ. આપણે તો દૂધમાં ને દહીમાં પગ રાખવો છે. આપણે તો અધ્યારેયા ભક્તિ કરી દેખાડો કરવો છે, ખરાબ આદતો છોડવી નથી. કાવાદાવા, પ્રપંચ- પાખંડને જણસ (દાગીના)ની જેમ સાચવી રાખીએ છીએ ને ભગવાનને છેતરવા નીકળ્યા છીએ ત્યારે ભગવાન કહે છે, 'તું તારી જાતને જ છેતરે છે.'
*    સંસારનો મોહ માણસને અને ભૂંડને સરખો છે.
*    ખરાબ કર્મ સુધારો.
*    ભિખારીની જેમ, ''જીવ, ઇચ્છા ને વાસના કર્યા કરે છે.
*    જ્યાં સુધી જીવ માયાના ખોળામાં છે ત્યાં સુધી રોવાનું તો રહેવાનું જ.
*    બહારધર્મી કહેવડાવવું ને અંદર દેહને પોષવાની વૃત્તિ તે ''દંભ''
*    ''બાટ''જેમ મફતમાં કૂટાયા તેમ ''જીવ'' કૂટાયા કરે છે. જીવ જે કરશે તે તેણે ભોગવવું પડશે.

No comments:

Post a Comment