Saturday, 8 August 2015

મહા મૃત્યુંજય મંત્ર : એક ઉત્તમ પ્રાર્થના

જેમ 'ગાયત્રી મંત્ર'  સાર્વભૌમ મહામંત્ર છે. તેમ ઉપરોક્ત 'મહા મૃત્યુંજય મંત્ર' પણ એક સાર્વભૌમ મહામંત્ર છે. ગાયત્રી મંત્ર વિશે શાસ્ત્ર વિધાન છે કે આ મંત્રનો જપ ગમે ત્યાં અને ગમે ત્યારે કરી ન શકાય. હરતાં- ફરતાં, ઊઠતાં- બેસતાં, સુતા કે ચાલતાં ગાયત્રી મંત્રનો જપ ન કરી શકાય. ગાયત્રી મંત્ર યોગ્ય અને વ્યવસ્થિત બેસીને જ જપી શકાય છે. તેની સરખામણીમાં આ વિઘ્નોમાંથી મુક્ત થવાનો, અપમૃત્યુમાંથી બચવાનો મહામંત્ર 'મૃત્યુંજય' જપ ગમે ત્યારે, ગમે ત્યાં અને હરતાં- ફરતાં પણ કરી શકાય છે. આ મંત્ર પ્રધાનત : અમૃતમય પરમ જીવનની પ્રાપ્તિ માટેનો મંત્ર છે.
મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદમાં તેમજ યજૂર્વેદમાં દર્શાવવામાં આવેલો છે આ એક મહામંત્ર છે. જેમાં મૃત્યુ અર્થાત્ આધ્યાત્મિક અધ :પતનમાંથી બચવાનો અને અમૃત તરફ ગતિ કરાવનારો- દોરનારો માર્ગ દર્શાવવામાં આવેલો છે. આ મંત્ર અમૃતમય જીવનની સરળ પ્રાર્થના છે. મહા મૃત્યુંજય દેવ છે. જે વિનાશના દેવ છે. રુદ્રદેવ વિઘ્નહર્તા પણ છે, તેથી આ મંત્ર દ્વારા રુદ્રદેવને ભક્તજનો વિઘ્નમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના કરે છે. આમ તો પ્રાર્થના એટલે આધ્યાત્મિક સ્નાન.
સામાન્ય પરંપરા અનુસાર ત્રણ હેતુઓની સિધ્ધિ અર્થે આ મહામૃત્યુંજય મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે.
(૧) ઇશ્વર આપણને આધિ- વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવે.
(૨) વિઘ્નહર્તા રુદ્રદેવ આપત્તિઓમાંથી ઉગારી રક્ષા કરે.
(૩) પરમ કૃપાળું પરમાત્મા અપમૃત્યુમાંથી મુક્ત થવા માટે શક્તિ આપે.
લોકપ્રિય અને બોલવામાં સરળ આ મંત્રના શબ્દો આ મુજબ છે.
''ત્ર્યંમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મા।મૃતાત્ ।।''
જેમ ગાયત્રી મંત્રના ઋષિ વિશ્વામિત્ર છે, તેમ આ મંત્રના ઋષિ વશિષ્ઠ છે. જ્યારે રુદ્રદેવ અને છંદ અનુષ્ટુપ છે. આ મંત્રમાં રુદ્રદેવને પ્રાર્થના કરવામાં આવે છે. આ મંત્રમાં 'રૃદ્ર' શબ્દનો પ્રયોગ કરવાને બદલે રુદ્રદેવના સ્થાને 'ત્ર્યંમ્બક' અર્થાત્ ત્રિનેત્ર ધરાવતા મહાદેવ શિવજીને સંબોધવામાં આવેલ છે. રુદ્ર એટલે શિવજી- ભોળાશંભુના લલાટમાં તૃતીય નેત્ર આવેલું છે જેને આધ્યાત્મિક પરિભાષામાં ચિદ્બ્રહ્મ જ્યોતિ તરીકે ઓળખવામાં આવે છે. 'અંબક' એટલે આંખ અર્થાત્ દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિ ત્રણ સ્વરૃપની છે, જેમાં આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિકનો સમાવેશ થાય છે. 'અંબક' શબ્દનો એક અર્થ પિતા પણ થાય છે. પિતા બાળકના રક્ષક હોય છે. તેમ રુદ્રદેવ સાધકના રક્ષક, પાલક અને પોષક બને તેવી પ્રાર્થના આ મંત્રમાં કરવામાં આવી છે.
આ મહામૃત્યુંજય મંત્રમાં ત્ર્યંબમ્બક અર્થાત્ રુદ્ર માટે બીજા બે વિશેષણોનો પણ વિનિયોગ કરવામાં આવ્યો છે. જેમાં સુગન્ધી પુષ્ટિ વર્ધનમ્ અર્થાત્ સુગંધ અને પુષ્ટિને વધારનાર તરીકે રુદ્રદેવને પ્રાર્થના કરવામાં આવી છે.
આ મહા મૃત્યુજય મંત્રના દ્વિતિયાર્ધમાં ઉર્વારુક એટલે કાકડીની ઉપમા આપી એવી પ્રાર્થના રુદ્રદેવને- ત્ર્યંમ્બકને કરવામાં આવી છે કે જેમ કાકડી પોતાના વેલામાંથી પરિપક્વ થતાં આપોઆપ અન્ય ફળની જેમ ખરી પડે છે. મુક્ત થાય છે, તેમ હે ઇશ્વર ! અમને મૃત્યુરૃપી બંધનમાંથી કાકડીની જેમ મુક્તિ અપાવો.
આર્ષદ્રષ્ટા ઋષિ આ કાકડીની (ઉર્વારુકની) ઉપમાનો ઉપયોગ કરી પ્રાર્થના કરે છે કે અમારી બંધનમુક્તિ પણ આવી જ અનાયાસ અને સહજ હોય. મૃત્યુના બંધનમાંથી મુક્ત થવાનો અર્થ એવો નથી કે આપણું શરીર કે નશ્વર દેહ અમરત્વ પ્રાપ્ત કરે. ઋષિ અહી શરીરનું અમરત્વ આ પ્રાર્થના દ્વારા યાચતા નથી પરંતુ અવિદ્યામાં જીવન વિતાવવું તે એક પ્રકારનું મૃત્યુ છે, તેથી જ્ઞાાનયુક્ત જીવન જ અમૃત છે.
આવી જ એક પ્રાર્થના- વૈદિક પ્રાર્થના જાણીતી છે. જેના શબ્દો છે.
'' અસતો મા સહ્ ગમય
તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યોર્મભૃતં ગમય ।।''
અર્થાત્ હે પરમાત્મા ! અમને અસતથી સત્ તરફ દોરો. અમને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરો. અમને મૃત્યુથી અમૃત તરફ દોરો. આપણે પણ  પ્રભુને પ્રાર્થના કરીએ  કે હે પ્રભુ ! ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા. અર્થાત્ Lead us From darkness to light. મહામૃત્યુંજય પણ આવા જ પ્રકારની પ્રાર્થના દરરોજ કરીએ તો કેવું ?

1 comment:


  1. ''ત્ર્યંમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ ।
    ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય મા।મૃતાત્ ।।

    ReplyDelete