Saturday 18 July 2015

જીવનમાં શ્રેષ્ઠ કંઈ હોય તો તે છે જ્ઞાન



ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ ઉપદેશ આપી રહ્યા છે કે, "આજે તારે આ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ માટે તૈયાર થવાનું છે. તું આ યુદ્ધમાં સફળ થઈશ કે નિષ્ફળ થઈશ, પણ કર્મનાં ફળની આશા રાખ્યા વગર તું યુદ્ધ કર અને તું ફક્ત નિમિત્ત બન."

આમ, ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને નિમિત્ત માત્ર બનાવવા માંગે છે ત્યારે અર્જુન બહાનાં કાઢે છે કે, આજે ન કરવાનાં કામ કરીએ છીએ અને કરવાનાં કામ કરતા નથી. ભગવાન કહે છે કે, "તું જે કહી રહ્યો છે તે વાસ્તવિક જ્ઞાન નથી, પણ અવાસ્તવિક જ્ઞાન છે." આ જ વાતોમાં સંસાર પડી ગયેલ છે.

વરસાદ થતાં જ દેડકા, અળસિયાં બહાર આવે છે. સુષુપ્ત અવસ્થામાંથી તેઓ જાગૃત થાય છે. જ્યાં સુધી અંતરજ્ઞાન થતું નથી ત્યાં સુધી દોષ-દુર્ગુણ રહે છે. જ્યારે જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે દોષ, દુર્ગુણ નાશ પામે છે. ભગવાને અર્જુનને ગીતામાં કહ્યું છે કે, "તું જ્ઞાનની ઉપાસના કર. ગાયત્રી મંત્ર એ જ્ઞાનની ઉપાસના છે. સૂતેલા જ્ઞાનની ઉપાસના છે. સૂતેલા જ્ઞાનની શક્તિને જાગૃત કરવાની શક્તિ ગાયત્રી મંત્રમાં પડેલી છે."

માળા ફેરવવી સહેલી છે, પણ તેનો એક-એક મર્મ સમજ્યા પછી એક-એક મણકો સમજીને ફેરવીએ તો ખ્યાલ આવે કે તેમાં રહેલા 108 મણકાનું શું મહત્ત્વ છે જેનું જ્ઞાન થવું આવશ્યક છે. માણસ એક દિવસમાં 21,600 શ્વાસ લે છે એવો અંદાજ છે. તેમાંથી રાત્રિના બાદ કરતાં 10,800 શ્વાસ રહે. આમ, પ્રત્યેક વ્યક્તિએ 10,800 વખત ભગવાનનું નામ લેવાનું રહે છે. હૃદયપૂર્વક લીધેલું એક નામ સો વાર નામ લેવા બરાબર છે એવું એક શાસ્ત્રવચન છે. 108 મણકાની માળા ફેરવો તો શ્વાસે શ્વાસે પ્રભુનામ લીધું કહેવાય. 108નો આંકડો ઋગ્વેદના સૂક્તોમાં પણ છે. તેનો અર્થ એ છે કે વેદ વિચારને 27 નક્ષત્રો 4 દિશાઓ એટલે કે 108 ઠેકાણે હું પહોંચીશ. માળા ફેરવવાનું આવું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તો જ તેનું રહસ્ય સમજાય. ભગવાન બુદ્ધે જ્ઞાનની ઉપાસના કરી અને કહ્યું કે, "હે મનુષ્યો, બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કરો. બુદ્ધિના જ્ઞાન અંગેના શરણમાં ચાલો."

માણસનો એક હાથ ભાગી જાય તો કેટલાંક ભીખ માગે, પરંતુ આઠ જગ્યાએથી વાંકાચૂકા હાથ હોવા છતાં અષ્ટાવક્ર ઋષિએ એટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કે, રાજા જાનકે એમને ગુરુ માનવા પડયા.

માણસની બે આંખો કોઈ અકસ્માતમાં નષ્ટ થાય તો તેની બીજી ઇન્દ્રિયો એટલી બધી સતેજ હોય છે કે, તે જોઈ ન શકતો હોવા છતાંય સામેની વ્યક્તિને ઓળખી લે છે. અંધ લોકો સુંદર મજાનું સંગીત વગાડી શકે છે. અંધ વ્યક્તિ એક જ વખત કોઈ ભજન કે ગીત સાંભળે તો તે બીજી વખત મોઢે ગોખીને બોલે છે. જ્યારે દેખતી વ્યક્તિ જુએ છે, સાંભળે છે તેમ છતાં તે ગોખી શકતી નથી. ભગવાન જ્યારે આપણી પાસેથી કોઈ એકાદ અંગ લઈ લે તો તેની સામે બીજાં અંગો અને ઇન્દ્રિયો એટલાં મજબૂત આપે છે કે, તેનાથી તેમને તેમના અસ્તિત્વનું સાચું જ્ઞાન ઉત્પન્ન થાય છે.

સમાજમાં આજે જ્ઞાનીને સૌ લોકો પૂજે છે. તેથી મેળવેલ જ્ઞાનનો યોગ્ય સમયે શ્રેષ્ઠ ઉપયોગ કરવો હિતાવહ છે. જ્ઞાન વ્યક્તિને તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડી મંજિલ સુધી લઈ જાય છે, તેથી જ કહેવાય છે કે, "જ્ઞાન જેવી બીજી કોઈ વસ્તુ નથી" વ્યક્તિ પાસે ગમે તેટલી સંપત્તિ કે પૈસો હોય પણ તેનો યોગ્ય ઉપયોગ કરતા ન આવડતું હોય તો તે શું કામની? તેના માટે જ્ઞાનરૂપી દિવ્ય વિચારોની જરૂર હોય છે.

2 comments:

  1. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ ઉપદેશ આપી રહ્યા છે...

    ReplyDelete