Saturday 4 July 2015

વિદુર નીતિ

સ્વામિ નારાયણ ભગવાને સ્વયં સર્વે શાસ્ત્રોનો ઉંડાણથી અભ્યાસ કર્યા પછી ગૃહસ્થી જીવનને જે જરૃરી છે તેનો સાર શાસ્ત્રોમાંથી નીચે પ્રમાણે તારવી સત્સંગી સમક્ષ મૂક્યો.
૧. ભગવદ્ પુરાણ થકી 'પંચમ સ્કંધ' અને 'દશમ સ્કંધ'
૨. સ્કંધ પુરાણમાંથી 'વાસુદેવ મહાત્મ્ય'
૩. સર્વે શાસ્ત્રો પછી 'યાજ્ઞાવલ્ક્ય સ્મૃતિ'
૪. મહાભારત થકી (૧) વિષ્ણુ સહસ્ત્રનામ (૨) ભગવદ્ ગીતા (૩) વિદુર નીતિ.
સ્વા.ના ભગવાને સુખ ઈચ્છતા સત્સંગી, દરેકને વિદુર નીતિ વાંચવા-સાંભળવાની આજ્ઞાા કરી. ગૃહસ્થો માટે તેનું વાંચન-મનને અનુકરણ ખૂબજ જરૃરી છે કારણ કે તેમાં વર્ણવાયેલી વિગતો સંસારી જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી છે.
આ વિદુરનીતિનો જન્મ કઈ રીતે થયો. વિદુર નીતિ એ સ્વતંત્ર ગ્રંથ નથી. મહાભારતનો એક ભાગ છે. મહાભારતમાં ઉદ્યોગ પર્વમાં એક નાનકડું પ્રજાગર પર્વ આવે છે. તે પર્વમાં વિદુર નીતિના આઠ અધ્યાયો છે. તેની રોચક ઘટના એમ બની ઃ-
જુગાર રમ્યા પછી પાંડવો વનમાં ગયા. બાર વર્ષ વનમાં અને તેરમું વર્ષ ગુપ્ત વાસ. ૧૩ વર્ષનો વનવાસ પૂરો કરી તેઓ હસ્તિનાપુર ધૃતરાષ્ટ્ર પાસે બધાં જ દસ્તાવેજો રજૂ કરી કહ્યું, શરત પ્રમાણે અમે સજા ભોગવી લીધી છે. હવે અમારો અધિકાર અમને આપો. મંત્રણા માટે તખ્તો તૈયાર થતો હતો પણ દુર્યોધને બાજી બગાડી નાંખી.
તે બોલ્યો મંત્રણા કેવી? અને વાત કેવી?
'શૂચ્યગ્ર નૈવ દાસ્યામિ'
રાજભાગની ક્યાં વાત કરો છો? સોયની અણી મૂકો એટલી જગ્યા પણ નહીં મળે. રાજ્યભાગ લેવાની તાકાત હોય તો આવી જાવ મેદાનમાં! અને ભગવાન શ્રીકૃષ્ણની સંમતિ લઈ, પાંડવોએ યુધ્ધની ઘોષણા જાહેર કરી. પ્રતિજ્ઞાા લીધી, 'હવે તો યુદ્ધ એ જ કલ્યાણ'
દુર્યોધનની અવળચંડાઈથી જ મહાભારતનું યુદ્ધ ઉભું થયું. પાંડવોએ એ યુધ્ધની જાહેરાત કરી અને આખા ભારતભરમાં રાજાઓ બે છાવણીઓમાં વહેંચાવા લાગ્યાં. કોઈ દુર્યોધન પક્ષે તો કોઈ પાંડવ પક્ષે.
આ સાંભળી ધૃતરાષ્ટ્રને બહુજ બેચેની થવા લાગી. ખાવાનું ભાવે નહીં, આખો દિવસ ચિંતા રહ્યા કરે, અશાંતિ ને ઉદ્વેગ થયા કરે. રાત્રે ઉંઘ પણ આવે નહિ. અતિશય મૂંઝવણને કારણે ધૃતરાષ્ટ્રે પોતાના દ્વારપાળને કહ્યું હાલ ને હાલ મહાત્મા વિદુરજીને બોલાવી લાવો.
દ્વારપાલ વિદુરજીને બોલાવવા ગયો કે આપને મહારાજા ધૃતરાષ્ટ્ર બહુ યાદ કરે છે. વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે જઈને બેઠા.
ધૃતરાષ્ટ્રે કહ્યું, વિદુર! હું બહુ દુઃખી છું. દિવસે ચિંતા ને રાત્રે ઉંઘ પણ આવતી નથી. સતત આકુળતા વ્યાકુળતા ચાલ્યા કરે છે. હું ઉદ્વેગી જીવ થઈ ગયો છું, મને કાંઈ મારગ બતાવ?
ઉદ્વેગી ધૃતરાષ્ટ્રને વિદુરજીએ શાંત્વના આપતાં જે વાતો કહી (પ્રસંગોપાત વાર્તાલાપમાં આદેશ, ઉપદેશ, સત્ય, અસત્ય, નીતિ-નિયમ, સિધ્ધાંત ને આચરણ) તે મહાભારતના પ્રજાગર પર્વમાં આઠ અધ્યાયોમાં છે એનું જ નામ વિદુર નીતિ છે.
બૃહસ્પતિ નીતિ, શુક નીતિ, કૌટિલ્ય નીતિ વગેરે ઘણી નીતિઓ છે. પરંતુ સ્વા.ના. ભગવાને સત્સંગિ જીવનના પ્રકરણના ૪૦ અધ્યાયમાં કહ્યું છે,
'સર્વેત્રાં નીતિશાસ્ત્રાણામ્ સારો વૈદુરી કો નયઃ'
તમામ નીતિશાસ્ત્રોનો સાર એટલે વિદુરનીતિ છે. શ્રીજી મહારાજે બધાં જ આશ્રિતોને આજ્ઞાા કરી છે કે વિદુર નીતિ હમેશાં વાંચવી, સાંભળવી ને જીવનમાં ઉતારે તો ભક્તો વ્યવહારમાં કદી દુઃખી ન થાય. એનાં કુટુંબમાં કલેશ ન થાય અને તે સદાય જીવન વ્યતિત કરી શકે.
વિદુરજીના મુખે અતિ મહત્વનો ઉપદેશ સાંભળવા છતાં ધૃતરાષ્ટ્ર સુખી ન થયાં કારણકે તે સત્ય ને સમજવા છતાં સ્વીકારી ન શક્યાં. જીંદગીનું સુખ શામાં છે તે અંર્તચક્ષુથી જોઈ ન શક્યાં. સ્થૂળ અંધાપો ફક્ત અગવડતાભર્યો હોય છે પણ અંતરનો અંધાપો તો મહાદુઃખદાયી હોય છે. ધૃતરાષ્ટ્રની કરૃણતા આ અંદરના અંધાપાની છે તેથી તે દુર્યોધનરૃપી અહંકારના વૃક્ષનું મૂળ બની જાય છે. ધૃતરાષ્ટ્રનો મોટામાં મોટો દુર્ગુણ તે આંધળી પુત્રઆસક્તિ. તેથી જ ધર્મ જાણવા છતાં દુર્યોધનને અધર્મ કરતાં અટકાવી શક્યા નહીં. પ્રયત્ન છતાં પ્રાપ્તિ ન થાય તે તો ઈશ્વરની ઈચ્છાની વાત છે. પરંતુ સ્થૂળ કારણ એ હોઈ શકે કે શાસ્ત્રો અને વિદુર જેવાં સંતો, મહાત્માઓના સુખાકારી વચનો આપણે સાંભળીએ છીએ પણ આચરણમાં મૂકવાનો પ્રયત્ન નથી કરતા. સમજવા છતાં જાણવા છતાં, 'જાગુ છું' 'ખબર છે'ની નીતિ અપનાવીએ છીએ એટલે જ ધ્યેય પ્રાપ્તિથી વંચિત રહીએ છીએ.
વિદુરનીતિ એ સમય સૂચકતા, વ્યવહાર કુશળતા, શુધ્ધ ને સદાચારી જીવન, રક્ષણાત્મક પ્રવૃત્તિ ને ધર્મમય જીવનનો ઉપદેશ છે. આ અમૂલ્ય ઉપદેશોને એકાગ્રતાથી વાંચી જીવનમાં ઉતારનાર તે ધાર્મિક, સામાજીક કે કૌટુમ્બિક બાબતોમાં પોતાની ભૂલ ક્યાં થાય છે તે તૂર્ત સમજાય છે અને તે ભૂલોને દૂર કરવાના ઉપાયો શું છે તે પણ વિદુર વાર્તાલાપના ઉપદેશોમાંથી મળી રહે છે. ઉપદેશો પાળનારને સુખની પાછળ દોડવું પડતું નથી પરંતુ સુખ તેની પાછળ દોડતું આવે છે.

No comments:

Post a Comment