Thursday, 13 August 2015

અવતાર માનવીનો ફરીને નહી મળે...! અવસર તરી જવાનો ફરીને નહી મળે...!


નાનું બાળક ડર્યા વગર હંમેશા હરકતો કરતું રહે છે. એ ક્યારે રડશે કે ક્યારે હસશે, આમાં નુકસાન કે ફાયદો, પીડા કે આનંદ... કશી જ પરવા એને નથી હોતી. મસ્તી અને આનંદ સિવાય કશું જ એને રાસ નથી આવતું. મોટેરાઓએ આ કલા બાળક પાસેથી હસ્તગત કરવાની જરૃર છે.
આ પ્રસિદ્ધ રચનામાં ટકોર પણ છે, અને ચેતવણી પણ છે. દરેક વસ્તુમાં ગણતરી માંડવાની ટેવ માણસના હિતમાં નથી હોતી. દરેક વખતે આપણી ગણતરી સાચી કે ખોટી પડશે એની કોઇ ગેરંટી નથી હોતી.
જ્યારે એવું લાગે કે આ અવતાર એળે જઇ રહ્યો છે, જીવન જીવવાનો અવસર હાથમાંથી સરકી રહ્યો છે. કેવળ જીવી ખવાય છે, જીવી જવાતું નથી. એ વેળાએ જિંદગીને એક થાપણ સમજી વ્હાલ કરવાની જરૃર છે. આપણા દમખમ મુજબ જિંદગી જે આપે એને ગજવામાં મૂકવાની જરૃર છે. જિંદગીને ધંધાનું રૃપ આપી જીવતરનો વેપલો નથી કરવાનો. કારણ કે જીવવું એ કલા છે, ધંધો નથી..!
નાનું બાળક ડર્યા વગર હંમેશા હરકતો કરતું રહે છે. એ ક્યારે રડશે કે ક્યારે હસશે, આમાં નુકસાન કે ફાયદો, પીડા કે આનંદ... કશી જ પરવા એને નથી હોતી. મસ્તી અને આનંદ સિવાય કશું જ એને રાસ નથી આવતું. મોટેરાઓએ આ કલા બાળક પાસેથી હસ્તગત કરવાની જરૃર છે.
દરેક પરિસ્થિતિ દરેક સંજોગો એક સરખા નથી હોતા  થાય એટલા મહત્તમ ઉધામા કર્યા હોય તો ય નિષ્ફળ જવાય. ખાસ તો એ વખતે નાસીપાસ થયા વગર, વિટંબણાઓને ભગાડીને જિંદગીનો જંગ અને સમસ્યાઓનો સામનો કરી પહેલાં તો જાતને જીતવી પડે છે. માનવીના અવતારમાં સોનેરી અવસર છૂપાયેલો છે.
આપણા જેવા બીજા હાલતા- ચાલતા પૂતળાં દેખાય છે, એ પણ કલાકારો જ છે. ટી.વી. સિરીયલોના પાત્રો આપણને જકડી રાખી, જેમ અલગ અલગ ભાવ જન્માવે છે. એવા ભાવનાશાળી હોવું- બનવું એ આગળ જતા તરાપો બની શકે છે. ભવસાગરમાંથી ભાવસાગરમાં જવું એટલે જાતને આલિંગન આપવું. જીવતરને બચી કરવી. જીવતરને ઉજાળવું. એના પ્રેમમાં પડવું. ખરેખર તો માનવીએ પોતાની કલા દ્વારા લાગતા- વળગતા સૌને જકડી રાખવાના હોય છે. જાતને છૂટ્ટી મૂકીને.. આપણી હાજરી માત્રથી ફૂલ અને ફોરમ બંને અનુભવાય. 'ભગવાનના માણસો' કે સીધા માણસો એટલે જ ભગવાનથી ય વધારે પ્યારા લાગે છે. ત્યાં તીર્થસ્થળ રચાય.
મોટેભાગે તો જિંદગીને ધંધો સમજીને લોકો જીવતરની પત્તર ફાડી નાખે છે. એ તો ભૂલી જ જવાય છે કે જિંદગી જીવવી એ કલા છે. કળા નહિ. ઘણીવાર માનવીની કળાઓમાં એ ખુદ ફસાઇ જાય છે. એની કઢી નીકળી જાય છે. પોતાને જ પોતાનું જીવતર કદરૃપુ લાગે છે. જેને આપણે કદરૃપો સમજતા હોઇએ છીએ, એવા કેટલાય ભાથીઓ સ્માર્ટ અને હેન્ડસમ જિંદગી જીવતા હોય છે. બાકી મોટાભાગના લોકો તો જાણે ખભે પોતાની નનામી લઇને ફરતા હોય એવું જ લાગે. કહેવાય  નહિ ક્યારે એનો અણધાર્યો જાતે ઉભો કરેલો ઉપયોગ થઇ જાય.
ખાસ તો પોતાની જાત અને જીવતર સામે કશી ફરિયાદ ન રહેતી હોય એ જ વ્યક્તિ જિંદગીના અવસરને માણે છે જાણે છે. ''મારી જિંદગીનો માલિક છું.'' મારે કેમ જીવવું એ મારે જોવાનું.. આવી હકારાત્મકતામાં માનવીના અવતારની સાર્થકતા છે. કોક બીજાને.. ''મૂઆને જીવતા ન આવડયું.'' ''મૂઆને ભોગવતા ન આવડયું.'' એવું કહેતા પહેલા યા પછી પણ.. જાત- તપાસ કરવી જરૃરી થઇ પડે છે. ચાલો ફરી આ સુપ્રસિદ્ધ પંક્તિને જાતને સંભળાવીએ.
અવતાર માનવીનો ફરીથી નહિ મળે
અવસર તરી જવાનો ફરીથી નહિ મળે..

No comments:

Post a Comment