Thursday, 13 August 2015

ઇશ્વરના અનેક રૃપોમાં એક સત્ય સ્વરૃપ


પ્રભુ, ઇશ્વર, ભગવાન, ગોડ, જેવા અનેકાનેક નામોથી જેને નવાજીએ છીએ તે એક એવી પરમ સત્તાનો સૌ કોઈ સ્વીકાર કરે છે. ઘણા બધાં  ઘર્મો અને સંપ્રદાયને લઈને એ પરમ તત્ત્વને આપણે ભલે જુદા જુદા નામોથી ઓળખીએ પણ દરેકે દરેકે એ પરમ સત્તાનો સ્વીકાર તો કરવો જ રહ્યો. ''હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી.'' આ પંક્તિમાં કહેવાયું છે તે મુજબ 'હરિ' તો એક છે જ માત્ર તેના નામ જુદા જુદા છે. યજ્ઞાાદિ કાર્યોમાં પણ દેવોને આમંત્રિત કરવા માટે આહવાન મંત્ર બોલવામાં આવે છે અને સ્વીકારવામાં આવે છે કે આહવાન મંત્રથી આમંત્રિત દેવ આવે છે અને આહૂતિનો સ્વીકાર કરી યજમાનની કામના અનુસાર યજમાનનું અભિષ્ટ પણ કરે છે.
વિષ્ણુ સહસ્ત્રનો પાઠ લઈએ તો તેમાં પણ ૧૦૦૦ નામ, શિવ સહસ્ત્રનો પાઠ લઈએ તો તેમાં પણ શિવજીના ૧૦૦૦ નામ,. જો કે સર્વ નામો- (વિશેષણો) તેમના કાર્યને આધારે પાડવામાં આવ્યા છે. બ્રહ્મા- વિષ્ણુ, મહેશ ત્રિગુણાત્મક દેવોનું કાર્ય ભલે અલગ અલગ હોય પણ તેમ છતાં તેમનું ''મૂળ સ્વરૃપ'' તો એક જ છે ''ઇશ્વર અંશ જીવ અવિનાશી.'' એ મુજબ જોઈએ તો સચરાચર સૃષ્ટિ એ પરમ સત્તામાંથી જ ઉદ્ભવી છે. હવે વિચારવાનું એ કે એ પરમ સત્તા વળી શું છે ? તેનું કેવું સ્વરૃપ છે ? તો એ પરમ સત્તાનું મૂળ સ્વરૃપ સત્ય છે.
સચ્ચિદાનન્દરૃપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ।
તાપત્રયાવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ ।।
એ પરમ સત્તા, જ્ઞાન સ્વરૃપે, આનંદ સ્વરૃપે છે. તેની પહેલા તે મૂળ સ્વરૃપે 'સત્ય'રૃપે રહેલી છે. આ સત્ય એટલે અર્ધસત્ય નહીં પણ પૂર્ણસત્ય. આ પૂર્ણ અને પરિપૂર્ણ 'સત્ય' એટલે એવું સત્ય કે જે સૃષ્ટિના નિત્ય, નૈમિતિકાદિ પ્રલય બાદ પણ મૂળ 'સત્ય' સ્વરૃપે રહે છે જ. ભૌતિક વિજ્ઞાનાનુસાર તો પદાર્થો પણ અવિનાશી છે તે પદાર્થોનું પણ માત્ર રૃપાંતર જ થાય છે નાશ થતો નથી. ક્યાંથી થાય ? જડ- ચેતન સર્વ એનું જ સ્વરૃપ છે. સત્- સત્યનો મતલબ જ એ છે કે હરહમેશ હોવું- લૌકિક સત્ય- સાચું ભલે પરિસ્થિતિજન્ય હોય પણ એ પરમ સત્ય તો હરહંમેશ હોય જ છે.
આ અફર અને હરહંમેશ ટકવાવાળું પરમ- પરિપૂર્ણ સત્ય યદા યદા હિ ધર્મસ્ય ગ્લાર્નિભવતિ ભારત આમ્યુત્યામધર્મસ્ય તદાત્માન સુજામ્યહ્મ- પરમાત્મા ભલે અવતારકાર્ય લીલા કરવા ધરા ઉપર અવતરે તેમ છતાં એ પરમ-આત્મા અવતાર કાર્ય બાદ પણ તે 'સત્ય' સ્વરૃપે રહે જ છે. હવે આ ક્ષણભંગુર અને ચર્મચક્ષુથી નિહાળતા અનિત્ય જગતમાં આ પરિપૂર્ણ  સત્યને અનુભવવું કેવી રીતે ?
આ પરમ 'સત્ય'ને અનુભવવાનો સરસ રસ્તો આપણને સહજ પ્રાપ્ય છે અને તે છે ''ભક્તિ''. ભક્તિ દ્વારા આ પરમ સત્યને મહેસૂસ કરી શકાય છે, કે અનુભવ કરી શકાય છે તેનું પ્રમાણ શું ? તો 'પ્રમાણ તત્ર ગોપ્યા' । આજે જેમ કનૈયો દેહથી આપણી સમક્ષ નથી તેમ વૃંદાવન છોડી મથુરા ગયેલો કનૈયો ગોપીઓ માટેપણ સમક્ષ નહતો છતાં પણ ગોપીઓ તેમના આંતર્ચક્ષુથી કનૈયાને મહેસુસ કરતી હતી અને તેની પ્રતીતિ પણ ઉદ્ધવજીને કરાવેલી.
હવે ગોપીઓ આંતર્ચક્ષુથી કનૈયાને અનુભવતી, નિહાળતી અને કદાચ દેહથી હાજર ન રહેલા કનૈયા સાથે જાણે કે કનૈયો હાજર છે તેવી ક્રિયા-પ્રતિક્રિયા કરતી. એનું કારણ એક જ છે કે, ગોપીઓએ કનૈયાના દેહને મથુરા જવા દીધો પણ એ જગદીશ- ત્રિભુવનનાથ- પરમ સત્તાને કોઈને કોઈ રીતે ગોપીઓએ પોતાના હૃદયમાંથી ક્યાંય બહાર જવા દીધો નહીં અને તેથી જ તો તેના હૃદયમાં કનૈયો આવે છે પછી તેને સર્વત્ર ઇશ્વરના દર્શન થાય છે. - ઉદ્ધવજીને સ્પષ્ટપણે ગોપીઓએ કહી દીધેલું કે કનૈયો વૃંદાવન છોડી મથુરા ગયો છે એ તો ઉદ્ધવજી તમારો વહેમ છે. સાચું તો એ છે કે કનૈયો તો હરહંમેશ અમારા હૃદયમાં જ રહ્યો છે. તે અમારા હૃદયને છોડીે ક્યાંય ગયો નથી. એમ કોઈ પણ પરિસ્થિતિમાં પણ એ પરમાત્મા સ્વરૃપે તાદાત્મ્ય- એકત્વ સધાયેલું રહે ત્યારે માનવું કે આપણે એ હરહંમેશ ટકવાવાળી પરમ સત્તાને મહેસુસ કરી રહ્યા છીએ. આ પરમ સત્ય જ્યારે આપણા હૃદયમાં પ્રગટે છે ત્યારે માનવ શરીરના તમામ અંગો પુલકિત થાય છે અને તમામ અંગો એની મોજુદગીને કોઈને કોઈ રીતે બયાન કરતા હોય છે. ઇશ્વરના એ 'સત્ય'સ્વરૃપને તમે ગમે તે રીતે કલ્પો, તે તમારી કલ્પના અનુસાર પાર્થિવરૃપે પણ પ્રકટ થઈ આકારિત થઈ તમારી સમક્ષ પણ આવે છે એમાં પણ કોઈ શંકા નથી પણ સૌથી પહેલા ભગવાન હૃદયમાં પ્રકટે એ જરૃરી છે. બસ પછી તો એ ઇશ્વર, ભગવાન, ગોડ, પ્રભુ,  પૂર્ણ પુરૃષોત્તમ, નિરંજન, નિરાકારી પણ જીવનના કર્મબંધનથી થનારા અનેક જન્મજન્માનતરમાં પણ તેની હયાતી 'સત્ય' સ્વરૃપે બયાન કરે છે, પ્રતીત કરતો જ રહે છે.

No comments:

Post a Comment