Friday 21 August 2015

શિવજી વિવિધ સ્વરૂપે પૂજાય છે સૃષ્ટિ પર, જાણો તેમના રૂપોને


શિવનો મહિમા અનંત છે. તેમનાં રૂપ, રંગ અને ગુણ અનન્ય છે. સમગ્ર સૃષ્ટિ શિવમય છે. સૃષ્ટિથી પૂર્વ શિવ છે અને સૃષ્ટિના વિનાશ પછી માત્ર શિવ જ શેષ રહે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, પરંતુ જ્યારે સૃષ્ટિનો વિસ્તાર કરવાનું શક્ય ન બન્યું ત્યારે બ્રહ્માએ શિવજીનું ધ્યાન ધર્યું અને ઘોર તપસ્યા કરી. શિવજી અર્ધનારીશ્વર સ્વરૂપે પ્રગટ થયા. તેમણે પોતાના શરીરના અર્ધ ભાગમાંથી શિવા (શક્તિ અથવા દેવી)ને અલગ કરી દીધો.
શિવને પ્રકૃતિ, ગુણમયીમાયા અને ર્નિવિકાર બુદ્ધિના નામથી પણ ઓળખવામાં આવે છે. તેને અંબિકા, સર્વલોકેશ્વરી, ત્રિદેવ જનની, નિત્ય તથા મૂળ પ્રકૃતિ પણ કહે છે. તેમની આઠ ભુજાઓ તથા અનોખું મુખ છે. આ પ્રકારની સૃષ્ટિની રચના માટે શિવ બે ભાગમાં વિભક્ત થઈ ગયા, કારણ કે બંને વિના સૃષ્ટિની રચના અસંભવ છે. શિવજીએ શીશ પર ગંગા અને લલાટ પર ચંદ્રમા ધારણ કરેલ છે. તેમનાં પાંચ મુખ પૂર્વા, પશ્ચિમા, ઉત્તરા, દક્ષિણા તથા ઊર્ધ્વાજો ક્રમશઃ હરિત, રક્ત, ધૂમ્ર, નીલ અને પીત વર્ણના માનવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસ હાથોમાં અભય શૂલ, વજ્ર, ટંક, પાશ, અંકુશ, ખડગ, ઘંટ, નાદ અને અગ્નિ આયુધ છે. તેમનાં ત્રણ નેત્ર છે. તેઓ ત્રિશૂળધારી, પ્રસન્નચિત્ત, કપૂર ગૌર અને ભસ્માંક્તિ કાળસ્વરૂપ ભગવાન છે. તેમની ભુજાઓમાં તમો ગુણનાશક સર્પ લટકે છે.
શિવ પાંચ પ્રકારનાં કાર્ય કરે છે જે જ્ઞાનમય છે. સૃષ્ટિની રચના કરવી, સૃષ્ટિનું ભરણપોષણ કરવું, સૃષ્ટિનો વિનાશ કરવો, સૃષ્ટિમાં પરિવર્તનશીલતા જાળવી રાખવી અને સૃષ્ટિથી મુક્તિ પ્રદાન કરવી. એવું કહેવામાં આવે છે કે સૃષ્ટિના સંચાલન માટે શિવજીએ આઠ સ્વરૂપ ધારણ કર્યા છે. સૃષ્ટિને સંજીવન પ્રદાન કરનારા જળમયરૂપમાં પણ તેઓ છે. પૃથ્વીની અંદર અને બહાર રહીને સૃષ્ટિને સ્પંદિત કરનારું તેમનું રૂપ ઉગ્ર છે. શિવજીનાં વિવિધ સ્વરૂપોનું વિસ્તૃત વર્ણન આ પ્રમાણે છે.
  •  બધાને અવકાશ આપનાર, નૃપોના સમૂહના ભેદક, સર્વવ્યાપી તેમનું આકાશાત્મક રૂપ ભીમ કહેવાય છે.
  •  સંપૂર્ણ આત્માઓના અધિષ્ઠાતા, સંપૂર્ણ ક્ષેત્રવાસી, પશુઓના પાપને કાપનાર શિવનું એક રૂપ પશુપતિ છે.
  •  રાત્રે ચંદ્રમા સ્વરૂપે પોતાનાં કિરણોથી સૃષ્ટિ પર અમૃતવર્ષા કરતો પ્રકાશ અને તૃપ્તિ પ્રદાન કરનારું તેમનું સ્વરૂપ મહાદેવ છે.
  •  શિવનું જીવાત્મા સ્વરૂપ રુદ્ર કહેવાય છે. સૃષ્ટિના આરંભ અને વિનાશ સમયે રુદ્ર જ શેષ રહે છે.
  •  સૃષ્ટિ અને પ્રલય, પ્રલય અને સૃષ્ટિના મધ્યે તેઓ નૃત્ય કરે છે. જ્યારે સૂર્ય ડૂબી જાય છે, પ્રકાશ સમાપ્ત થઈ જાય છે, છાયા પણ સાથ છોડી દે છે અને જળ નીરવ થઈ જાય છે તે સમયે નૃત્યનો આરંભ થાય છે. ત્યારે અંધકાર સમાપ્ત થઈ જાય છે અને એવું પણ માનવામાં આવે છે કે તે નૃત્યથી જે આનંદ ઉત્પન્ન થાય છે તે જ ઈશ્વરીય આનંદ છે. નૃત્ય કરતા શિવનું જ એક સ્વરૂપ નટરાજ કહેવાય છે.
  •  શિવ, મહેશ્વર, રુદ્ર, પિતામહ, વિષ્ણુ, સંસાર વૈદ્ય, સર્વજ્ઞા અને પરમાત્મા તેમના આઠ નામ છે. ત્રેવીસ તત્ત્વોની બહાર પ્રકૃતિ, પ્રકૃતિની બહાર પુરુષ અને પુરુષમાંથી બહાર હોવાને કારણે તેઓ મહેશ્વર છે. પ્રકૃતિ અને પુરુષ એ બંને શિવથી વશીભૂત છે. દુઃખ તથા દુઃખનાં કારણોને દૂર કરવાને લીધે તેઓ રુદ્ર કહેવાય છે. જગતના મૂર્તિમાન પિતા હોવાને કારણે તેઓ પિતામહ, સર્વવ્યાપી હોવાને કારણે વિષ્ણુ, માનવીના ભવરોગ દૂર કરવાને કારણે સંસાર વૈદ્ય અને સંસારના સમસ્ત કાર્ય જાણવાને કારણે તેઓ સર્વજ્ઞા છે. પોતાનાથી અલગ કોઈ અન્ય આત્માના અભાવને કારણે તે પરમાત્મા છે.

No comments:

Post a Comment