Saturday, 15 August 2015

દેવાધિદેવ ભગવાન શિવજીના મહિમાનો પાર પામવા કોઇ સમર્થ નથી !

''મહિમ્ન : પારં તે પરમ વિદુષો યદ્યસદૃશી  
સ્તુતિ બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર : ।
અથાવાચ્ય : સર્વ : સ્વમતિપરિણામવધિ ગૃણન્
મમાપ્યેષ સ્તોત્રે હર : નિરપવાદ : પરિકર : ।।
જો તમારા (ભગવાન શિવના) મહિમાને પૂર્ણ રૃપે જાણ્યા વિના સ્તુતિ કરવી અયોગ્ય હોય તો બ્રહ્માદિ દેવોની વાણી પણ અટકી જશે. કોઇપણ સ્તુતિ નહી કરી શકે કેમ કે તમારા મહિમાનો અંત કોઇ જાણી શકે એમ જ નથી. અનંતનો અંત કેવી રીતે જાણી શકાય ? તો પછી પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જે જેટલું જાણી શક્યું છે એટલું કહી દેવાના તેના અધિકારને દોષયુક્ત નહી ગણાય તો મારા જેવો સામાન્ય પુરુષ પણ સ્તુતિ માટે પ્રયત્ન કેમ ન કરે ? હું પણ થોડું જાણું છું. તો જેટલું જાણું છું એટલું કેમ ન કહું ?''
'શિવ મહિમ્ન સ્તોત્ર' ના રચયિતા આચાર્ય પુષ્પદન્તના આ વચનો દર્શાવે છે કે ભગવાન શિવજીનો મહિમા અનંત છે. પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી જે સમયે શિવજીને પતિરૃપે પ્રાપ્ત કરવા કઠોર તપશ્ચર્યામાં નિરત હતી. તે સમયે તેના પ્રેમની પરીક્ષા કરવા ભગવાન શિવજી બ્રહ્મચારીનો વેશ ધારણ કરી એની આગળ આવ્યા હતા અને શિવની નિંદા કરવા લાગ્યા હતા. 'શંકર એટલા દરિદ્ર છે કે એમને પહેરવા વસ્ત્ર પણ મળતું નથી એટલે તો એ દિગંબર કહેવાય છે. એ તને શું સુખ આપશે ? એ સ્મશાનવાસી છે તો તને રહેવા સુંદર ઘર ક્યાંથી મળશે ? એ ઉગ્ર રૃપવાળા ભયંકર દેખાવવાળા છે તો તને એમનાથી શાંતિ ક્યાંથી મળશે ?' એનો જવાબ આપતા પાર્વતીએ એમને કહ્યું હતું-
અકિંચન : સન્ પ્રભવ : સ સંપદાં
ત્રિલોકનાથ : પિતૃ સદ્યગોચર : ।
સ ભીમરૃપ : શિવ ઇત્યુદીર્યતે
ન સન્તિ યાથાર્થ્યવિદ : પિનાકિન : ।।
શિવ દરિદ્ર હોવા છતાં બધી સંપત્તિના ઉદ્ગમસ્થાન છે. તે સ્મશાનવાસી હોવા છતાં ત્રણેય લોકના નાથ છે. ઉગ્ર અને ભયંકર રૃપવાળા હોવા છતાં કલ્યાણકારી હોવાથી 'શિવ' એ નામથી ઓળખાય છે. સત્ય તો એ છે કે પિનાક ધનુષ્ય ધારણ કરનારા શિવજીનું યથાર્થ તત્વ કોઇ જાણી એમ જ નથી એ કોણ છે અને કેવા છે ?' આ બાબતનું સુંદર નિરૃપણ મહાકવિ કાલિદાસે એમના 'કુમારસંભવમ્' મહાકાવ્યમાં પણ કર્યું છે.
મહાભારતમાં દર્શાવ્યું છે કે એકવાર મહારાજ યુધિષ્ઠિરે આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય ધારણ કરનારા મહાપ્રતાપી ભીષ્મ પિતામહ પાસેથી ધર્મ અને મોક્ષના રહસ્યોને જાણવા, નીતિવિષયક જ્ઞાાન ગ્રહણ કરવા પૃચ્છા કરી  ત્યારે 'શિવ- મહિમા' વિશે પ્રશ્ન કર્યો હતો. તે વખતે ભીષ્મ પિતામહે સભા મધ્યે કહ્યું હતું- 'જે બધામાં રહેલા હોવા છતાં પણ ક્યાંય કોઇને દેખાતા નથી એ મહાદેવજીના ગુણોનું વર્ણન કરવા હું બિલકુલ અસમર્થ છું. મનુષ્ય દેહધારી કોઇપણ દેવાધિદેવ મહાદેવના મહિમાનો પાર પામવા સમર્થ નથી.' આ સાંભળ્યા પછી યુધિષ્ઠિરને નિરાશ થતા જોઇ ભીષ્મ પિતામહે કહ્યું હતું- 'આ  સભામાં ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણ પણ ઉપસ્થિત છે. તે શિવજીનો મહિમા કહી શકે એમ છે. એ પછી ભીષ્મ પિતામહે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી હતી. તમે યુધિષ્ઠિર અને સભામાં હાજર ઋષિ- મુનિઓને શિવમહિમા સંભળાવો.' ભગવાન શ્રીકૃષ્ણે પણ તેનો મહિમા સમજાવતા કહ્યું હતું- 'હિરણ્યગર્ભ, ઇન્દ્રાદિ દેવો અને મહર્ષિઓ પણ શિવ તત્વને જાણવા અશક્ત છે. શિવના ગુણો અપાર છે. હું એમાંથી થોડા એવા એમના ગુણો કહું છું...' આમ કહીને એમણે શિવ મહિમા પોતાના મુખે વર્ણવ્યો હતો !
વાયુપુરાણ કહે છે- ''આ વિશ્વ હરિ- હરાત્મક છે. એટલે પ્રતિક- ઉપાસના, અંગ- ઉપાસનાના સિદ્ધાન્તથી એકનો ઉપાસક જાણતા- અજાણતા બન્નેનો ઉપાસક થઇ જાય છે. મહાભારત કહે છે- અગ્નિષોમાત્મક જગત- અગ્નિ અને સોમનું સંયુક્ત સ્વરૃપ એટલે જગત. વેદ કહે છે- 'સોમો  વૈ વિષ્ણુ :- સોમ તત્વ નારાયણાત્મક છે' અને 'અગ્નિવૈ રુદ્ર : - અગ્નિતત્વ રુદ્રાત્મક છે.' વાયુપુરાણ પણ કહે છે-
'પ્રકાશં ચા પ્રકાશં ચ જણ્ગમં સ્થાવરં તથા ।
વિશ્વરૃપમિદં સર્વં રુદ્રનારાયણાત્મકમ્ ।।'
હરિ- હરિ એકબીજામાં ભળેલા છે. એટલે જ હરિહર શબ્દ અસ્તિત્વમાં આવ્યો. હરિહર સ્વરૃપના અડધા (ડાબા) ભાગમાં હરિ અને બાકીના અડધા (જમણા) ભાગમાં શિવ છે. પુરાણોમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે. એકવાર વિષ્ણુ પત્ની લક્ષ્મી અને શિવ પત્ની પાર્વતી વચ્ચે બન્નેના પતિઓમાંથી શ્રેષ્ઠ કોણ છે તે અંગે મોટો વિવાદ ચાલ્યો. લક્ષ્મીએ શિવજીની હાજરીમાં પોતાના પતિ વિષ્ણુ શિવ કરતા વધારે ચડિયાતા છે એવી દલીલો કરી એટલામાં વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા. આ બધી દલીલો અને વિવાદ જોતાં તેમની પત્નીનો ભ્રમ દૂર કરવા તે શિવજીના શરીરમાં દાખલ થઇ ગયા. લક્ષ્મી અને પાર્વતીએ જોયું તો ત્યાં હરિહર એક શરીરે દેખાઇ રહ્યાં હતા. શરીરના ડાબા ભાગમાં હરિ અને જમણા ભાગમાં શિવ દેખાતા હતા ! આમ આ રીતે એમણે સાબિત કરી દીધું કે અમે એક જ છીએ !

No comments:

Post a Comment