Friday, 14 August 2015

15મી ઓગસ્ટ: જેને દરેક હિંદુસ્તાનવાસી ક્યારેય ભૂલતો નથી

15મી ઓગસ્ટ સાથે સંકળાયેલી કેટલીક અજાણી પણ રસપ્રદ હકીકતો

- જાણો, બીજા કયા દેશો 15મી ઓગસ્ટે આઝાદી દિન મનાવે છે?

,

ઈતિહાસની સાલવારીઓ યાદ રાખવામાં ભલભલા ભારતીયો ગોથા ખાઈ છે પણ એક તારીખ એવી છે જેને દરેક હિંદુસ્તાનવાસી ક્યારેય ભૂલતો નથી, આ તારીખ છે 15મી ઓગસ્ટ. 1947ની આ તારીખે ભારત દેશ બ્રિટિશરોની ધૂંસરીમાંથી આઝાદ થયો હતો. પ્લાસીના યુદ્ધ બાદ 190 વર્ષો સુધી બ્રિટિશરોએ ભારત પર રાજ કર્યું હતું. 15મી ઓગસ્ટે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો, પ્રસ્તુત છે 15મી ઓગસ્ટ સાથે સંકળાયેલી કેટલીક અજાણી પણ રસપ્રદ હકીકતો....
કેમ 15મી ઓગસ્ટે જ આઝાદ થયો ભારત દેશ?
જાણીતા લેખક લેરી કોલીન્સ અને ડોમિનિક લેપીયરના પ્રસિદ્ધ પુસ્તક ફ્રિડમ એટ મીડનાઈટમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ લેખકોએ બ્રિટિશ શાસનના છેલ્લા વાઈરસરોય લોર્ડ માઉન્ટબેટ સાથે કલાકો સુધી ચર્ચા કરી હતી અને આ ચર્ચામાં માઉન્ટબેટને 15મી ઓગસ્ટ પસંદ કરવા પાછળના કારણનો ખુલાસો કર્યો હતો. જ્યારે હિંદને આઝાદ કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો એ સમયે ભારતના નેતાઓ સાથેની એક બેઠક બાદ માઉન્ટબેટન પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા, આ સમયે એક પત્રકારે ભારતને કઈ તારીખે આઝાદ કરવામાં આવશે એવો સવાલ પૂછ્યો હતો, એ વખતે માઉન્ટબેટને આ વિશે કશું જ વિચાર્યું ન હતું, પણ થોડા વર્ષો પહેલા બીજા વિશ્વયુદ્ધના છેલ્લા તબકકામાં જાપાને 15મી ઓગસ્ટના રોજ બ્રિટનના નેતૃત્વ હેઠળના મિત્ર દેશો સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી, આ વાત માઉન્ટબેટનને યાદ આવી જતા તેમણે સવાલ પૂછનાર પત્રકારને 15મી ઓગસ્ટ તારીખ કહી દીધી હતી. અને આ રીતે ભારતનો સ્વતંત્રતા દિવસ નક્કી થયો હતો, જો કે એ સમયે દેશના જ્યોતિષોએ આ તારીખને ભાર અપશુકનિયાળ ગણાવીને આ દિવસે ભારતને આઝાદ નહીં કરવાની સલાહ આપી હતી, જો કે આવી વાતોમાં નહીં માનતા નેહરુએ આ ચેતવણીને ગણકારી ન હતી.
બીજા કયા દેશો 15મી ઓગસ્ટે આઝાદી દિન મનાવે છે?
માત્ર આપણે જ નહીં અન્ય ત્રણ દેશો પણ 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ મનાવે છે. આ દેશો છે સાઉથ કોરિયા, બહેરીન અને રિપબ્લિક ઓફ કોંગો. સાઉથ કોરિયા 15 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનથી આઝાદ થયો હતો, જ્યારે બહેરીન 1971ની આ તારીખે બ્રિટનથી આઝાદ થયું હતો તો કોંગોએ 1960માં આ તારીકે ફ્રાન્સથી આઝદી મેળવી હતી.

1 comment: