Monday 22 June 2015

કબીર વાણી

''ગુનમેં નિરગુન, નિરગુનમેં ગુન,
બાટ છાડી કયો બહિયે ।
અજરા અમર કથૈ સબ કોઈ,
અલખ ન કથના જાઈ ।।''
કબીર સાહેબ કહે છે, જે કાંઈ કહેવામાં આવ્યું છે જે કાંઈ લખવામાં આવ્યું છે, આ કહેવા-લખવાની મહાજંજાળમાં ન પડો. કારણ કે એ તો અભિવ્યક્તિનો એક નાનકડો અંશ છે. જે છે તેને તો ક્યારેય લખી કે કથી શકાતું નથી. પરમાત્મા વર્ણનથી પર છે, માટે નિર્ગુણ-સગુણની  ગુંચવણમાં ગુંચવાવ નહિ. આ ગુંચવણ - આ ભટકનમાં આપણે કોણ જાણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. મુળને  છોડીને ક્યાં અડાબીડ જંગલમાં ભટકી ગયા છીએ તેની આપણને પોતાને જ ખબર નથી. તેઓ કહે છે, ''અલખ ન કથના જાઈ'' અર્થાત્ જે વાસ્તવિક રૃપમાં છે તેને તો કહી શકાતું નથી. તેને બુદ્ધિ દ્વારા વર્ણવી શકાતું નથી, કારણ કે બૌદ્ધિક શબ્દોની અમુક સીમા છે, પરમાત્મા શબ્દોથી પાર છે. તેમની સાથે કેવો શાબ્દિક વહેવાર? અહિં તો ઉંડુ મૌન જોઈએ. જેટલું મૌન હશે, પ્રવેશ અંતરમાં એટલો જ ઊંડો હશે. ગહન મૌનમાં કબીર સાહેબનું રહસ્ય અનાવૃત્ત થાય છે અને આ રહસ્યમાં કબીરજીનાં અબોધ-બોલ, બોલવા લાગે છે,
''નાતિ સરૃપ વરન નહિ જાકે,
ઘટી ઘટી રહ્યો, સમાય''
કબીહ સાહેબ કહે છે કે રૃપ અને આકારની પાર સંસાર સમાપ્ત છે. રૃપ અને આકાર સુધી જ સંસાર છે જ્યાં સંસાર નથી ત્યાં પરમાત્મા છે, કારણ કે પરમાત્માનું નથી કોઈ રૃપ, નથી કોઈ આકાર. તેમને બતાવવા માટે કોઈ ભાષા બની નથી અને બની શકે પણ નહિં. ભાષા તો સંસાર માટે બની છે. આકાર માટે છે. પરમાત્મા તો નિરાકાર છે તેને શબ્દ દ્વારા કેવી રીતે વર્ણવી શકાય!
''પ્યણ્ડ બ્રહ્મણ્ડ છાડી જે કથીયે,
કહે કબીર હરિ સોઈ.''
એ પરમાત્મા નથી નિર્ગુણ, નથી સગુણ. એ નથી પીંડ, નથી બ્રહ્માંડ. તે બંનેથી પર છે, અને તે બંનેથી પાર છે. કબીર સાહેબ કહે છે, ''જો કાંઈ છે, તો તે હરિ છે, હરિ કહ્યું, બધું જ કહી દીધું. તેમને જાણ્યા, બધું જ જણાઈગયું. જેણે જાણી લીધું તે કાંઈ કહેશે નહિ, પરમ મૌન થઈ જશે. 'ગુંગે કેરી સરકરા' જાણે કે મુંગાએ મીઠાઈ ખાધી ને.. 'ખાઈ ઔર મુશ્કાઈ' ખાઈ લીધીને મલકાયો. મુંગો છે તે સાકરનાં સ્વાદનું વર્ણન કેવી રીતે કરી શકે! મીઠી લાગી, મુસ્કરાયો. કબીર સાહેબ એવા છે કે જેમાં પરમાત્મા સમાઈ ગયા છે અને પરમાત્મામાં કબીર વિલીન થઈ ગયા છે. પરમાત્મા કહો કે કબીર, બંને અભિન્ન એકબીજામાં ભળી ગયેલા.

No comments:

Post a Comment