Thursday, 13 August 2015

કાલથી શ્રાવણ માસ, મંદિરો 'હર હર મહાદેવ'થી ગૂંજી ઉઠશે

૨૯ ઓગસ્ટે રક્ષાબંધન, ૫ સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી

અમદાવાદ સહિત રાજ્યભરનાં શિવમંદિરોમાં જપ-તપ, રૃદ્રાભિષેકનાં વિશેષ આયોજનો


જપ, તપ અને વ્રતનો તહેવાર એટલે શ્રાવણ માસ. હિંદુઓ માટે અત્યંત પાવન શ્રાવણ માસનો ૧૫ ઓગસ્ટથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. શ્રાવણ માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે શિવભક્તોમાં ભગવાન શિવને રિઝવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના શિવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે જપ-તપ, રૃદ્રાભિષેક, મહાપૂજાના વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. આમ, શ્રાવણ માસ સાથે સર્વત્ર ભક્તિમય માહોલ જોવા મળશે.
શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થતું હોય છે. ભગવાન શિવને બિલ્વપત્ર ખૂબ જ પ્રિય છે. ભાવિકો ભગવાન શંકરની આગામી એક માસ સુધી આરાધના કરી બિલ્વપત્ર, દૂધ, કાળા તલ ચઢાવીને પૂજન કરે છે. અમદાવાદ શહેરના અત્યંત પ્રાચિન કર્ણમુક્તેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ,  કોટેશ્વર મહાદેવ, શિવાનંદ આશ્રમ, સમર્થેશ્વર મહાદેવ, મણિકણિશ્વર, અમરનાથ મહાદેવમાં શિવ મહાપુરાણ, હોમાત્મક, જપાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, શ્રાવણ માસમાં શિવ મંદિરો 'બમ બમ ભોલે..', 'હર હર મહાદેવ'થી ગૂંજી ઉઠશે. જ્યોતિષશાસ્ત્રી મહેન્દ્ર પંડયાએ જણાવ્યું હતું કે 'શિવ પૂજામાં જળનું ખૂબ જ મહત્વ છે. હાલ સિંહસ્થ ગુરુ હોવાથી શિવનો જળ તેમજ ઔષધી દ્વારા અભિષેક વધુ લાભદાયી પુરવાર થાય છે. જેમકે, મનોકામના પૂરી થાય માટે ભગવાન શિવનો શેરડીના રસ દ્વારા અભિષેક કરવો જોઇએ.'
સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર ખાતે શ્રાવણ માસ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. આ વિષે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે '૧૫ ઓગસ્ટે સ્વાતંત્ર દિન છે અને એ જ દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણને સફેદ, લીલો, કેસરી એમ તિરંગાથી વિશેષ રીતે તૈયાર કરાયેલા શણગાર સજાવવામાં આવશે. જેના દર્શન માટે સવારે ૮ઃ૦૦થી બપોરે ૧૨ઃ૦૦ અને સાંજે ૪ઃ૦૦થી ૮ઃ૩૦નો સમય રહેશે. સ્વામિનારાયણ ભગવાનના હિંડોળા પણ ત્રિરંગા ફુગ્ગાથી શણગારાશે.'
શ્રાવણ માસ દરમિયાન વિવિધ તહેવારોની પણ ઉજવણી કરાશે. જેમાં ૨૯ ઓગસ્ટે રક્ષાબંધન, ૫ સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો સમાવેશ થાય છે. ૧૩ સપ્ટેમ્બર રવિવારના શ્રાવણ માસની પૂર્ણાહૂતિ થશે.
ભગવાન શિવને કયા અભિષેકથી શું ફળ મળે?
શેરડીના રસ દ્વારા અભિષેક કરવાથી મનોકામના સિદ્ધિ તેમજ દરેક કામનાની પૂર્તિ થાય છે. સમુદ્ર ફિણ કે લવણયુક્ત જળ દ્વારા અભિષેક કોર્ટ-કચેરીના કેસ કે કાવાદાવામાંથી મુક્તિ અપાવે છે. ઉત્તમ વિદ્યા અભ્યાસ તેમજ અભ્યાસમાં ધારી સફળતા પ્રાપ્ત થાય માટે સફેદ તલયુક્ત દૂધથી વિદ્યાર્થીઓએ અભિષેક કરવો જોઇએ. લાંબા આયુષ્ય-સારા આરોગ્ય માટે કાળા તલ, બિલ્વપત્રના અર્ક દ્વારા તૈયાર કરાયેલી ઔષધીથી, પરદેશગમન-જમીન-મકાન-મિલકત રોકાણ માટે સાર, ખાંડ નાખેલા પાણી દ્વારા, કૌટુમ્બિક સુખ -દામ્પત્યજીવનમાં ખટરાગ દૂર કરવા, લગ્નોત્સુક માટે જળમાં પુષ્પ નાખી અભિષેક કરવો જોઇએ.

1 comment: