Sunday 17 May 2015

અદ્વૈત દર્શનના પ્રવર્તક આદિ શંકરાચાર્ય

શંકરાચાર્યજીના સમયમાં જ ભારતમાં વેદાંત દર્શન અદ્વૈતવાદનો સૌથી વધુ પ્રચાર થયો. તેમને અદ્વૈતવાદના પ્રવર્તક માનવામાં આવે છે. બ્રહ્મસૂત્ર પર જેટલાં પણ ભાષ્ય મળે છે તેમાંથી સૌથી પ્રાચીન શંકર ભાષ્ય જ છે
અદ્વૈત દર્શનના મહાન આચાર્ય એવા આદિ શંકરાચાર્યનો પ્રાદુર્ભાવ ઈ.સ. ૭૮૦માં થયો હતો. કેરળ નજીક અલવાઈ નદીના તટે વસેલા કાલાડી ગામમાં મહાન ભક્ત શિવગુરુ અને માતા આર્યંબાને ત્યાં વૈશાખ સુદ પાંચમના દિવસે આદિ શંકરાચાર્ય જન્મ્યા હતા. શંકરની કૃપાથી જન્મ્યા હોવાને કારણે તેમનું નામ શંકર પાડવામાં આવ્યું.
તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું. પછી માતા આર્યંબાએ જ તેમનું પાલનપોષણ કર્યું. પાંચમા વર્ષે યજ્ઞાોપવીત સંસ્કાર કરીને તેમને ગુરુના ઘરે અધ્યયન કરવા મોકલ્યા. સાત વર્ષની ઉંમરે જ તેમણે વેદ, વેદાંત અને વેદજ્ઞાોનું સંપૂર્ણ અધ્યયન કરી લીધું અને આઠ વર્ષના થયા ત્યારે તેમણે સંન્યાસ લેવાનું વિચાર્યું, પરંતુ માતાએ તેમને આજ્ઞાા ન આપી.
એક દિવસ તેઓ માતા સાથે નદીમાં સ્નાન કરવા ગયા. ત્યાં મગરે તેમને પકડી લીધા. માતા હાહાકાર મચાવવા લાગ્યાં. બાળક શંકરે કહ્યું, "માતા, જો તમે મને સંન્યાસ લેવાની અનુમતિ આપશો તો આ મગર મને છોડી દેશે."
માતાએ આજ્ઞાા આપી અને મગરે તેમને છોડી દીધા. સંન્યાસ લઈને જતાં પહેલાં તેમણે માતાને કહ્યું કે, "તમારા મૃત્યુના સમયે હું ઘરે ઉપસ્થિત રહીશ." તેઓ ઘરેથી ચાલીને નર્મદા તટ પર આવ્યા. ત્યાં ગોવિંદ ભગવત્પાદ પાસેથી દીક્ષા ગ્રહણ કરી. તેમણે ગુરુ દ્વારા જણાવાયેલા માર્ગે સાધના શરૂ કરી દીધી અને થોડા જ સમયમાં તેઓ યોગસિદ્ધ મહાત્મા બની ગયા.
ગુરુની શોધમાં તેઓ ઓેમકારેશ્વર પહોંચ્યા જ્યાં તેમને ગોવિંદાચાર્ય મળ્યા. ત્રણ વર્ષ અધ્યયન કરીને તેઓ બાર વર્ષની ઉંમરે કાશી પહોંચ્યા. મણિર્કિણકા પર આ બાળ-આચાર્ય વૃદ્ધ શિષ્યોને મૌન વ્યાખ્યાન આપતા હતા. કાશીમાં ગંગાસ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે એક ચાંડાલને માર્ગમાંથી હટવા કહ્યું ત્યારે ચાંડાલે તેમને અદ્વૈતનું વાસ્તવિક જ્ઞાાન આપ્યું અને કાશીમાં ચાંડાલ રૂપધારી શંકર પાસેથી પૂર્ણ શિક્ષા પ્રાપ્ત કરીને તેમણે માત્ર ચૌદ વર્ષની નાની વયે બ્રહ્મસૂત્ર, ગીતા, ઉપનિષદ પર ભાષ્ય લખ્યાં. સોળ વર્ષની ઉંમરે તેઓ વેદવ્યાસને પણ મળ્યા હતા. તેઓ બદ્રિકાશ્રમ પહોંચ્યા. તેમણે પોતાના બધા જ ગ્રંથ કાશી અથવા બદ્રિકાશ્રમમાં જ લખ્યા હતા. તેઓ ત્યાંથી પ્રયાગ ગયા અને કુમારિલજી સાથે મુલાકાત થઈ. કુમારિલના કથનાનુસાર તેઓ મહિષ્મતિ નગરીમાં મંડન મિશ્રની પાસે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. તે શાસ્ત્રાર્થમાં મધ્યસ્થ મંડન મિશ્રની વિદુષી પત્ની ભારતી હતી. આ શાસ્ત્રાર્થમાં મંડન મિશ્રનો પરાજય થયો અને તેઓ શંકરાચાર્યના શિષ્ય બની ગયા. આ રીતે ભારતભ્રમણની સાથે વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને તેઓ પાછા બદ્રિકાશ્રમ આવી ગયા. ત્યાં તેમણે જ્યોતિર્મઠની સ્થાપના કરી અને તોટકાચાર્યને તેના મઠાધીશ બનાવ્યા. તેમણે કુલ ચાર મઠની સ્થાપના કરી હતી. જેમાં કર્ણાટકમાં શૃંગેરી (દક્ષિણ), બીજો ગુજરાતમાં દ્વારિકા (પશ્ચિમ), ત્રીજો ઓરિસ્સામાં પુરી (પૂર્વ) અને ચોથો જ્યોતિર્મઠ ઉત્તરાખંડ (ઉત્તર)માં કરી.
વર્તમાનમાં ચેન્નઈ નજીક કાંચી કામકોટિ પીઠની ગણતરી પાંચમા મઠ તરીકે કરવામાં આવે છે. મહિષ્મતિ નગરમાં વેદ-શાસ્ત્રોના પ્રકાંડ વિદ્વાન વિશ્વરુપાચાર્ય રહેતા હતા. તેઓ જૈમિનીના દર્શન પૂર્વમીમાંસાને જ સૌથી શ્રેષ્ઠ માનતા હતા. પૂર્વમીમાંસાનો સિદ્ધાંત એ છે કે દરરોજ નૈમિત્તિક કર્માનુષ્ઠાનથી જ પરમ પુરુષાર્થ મળશે. આત્મવિચાર આદિ સાધનોની કોઈ જરૂર નથી. પોતાના સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે બંને વચ્ચે શાસ્ત્રાર્થ થયો. વિશ્વરુપાચાર્યની પત્ની ઉભયભારતીને નિર્ણય કરવાની જવાબદારી સોંપવામાં આવી. સાત દિવસ સુધી ચાલેલા શાસ્ત્રાર્થમાં આદિ શંકરાચાર્ય વિશ્વરુપાચાર્યને પરાજિત કરતા રહ્યા. અંતમાં ઉભયભારતીએ શંકરાચાર્યજીને કેટલાક સાંસારિક પ્રશ્નો કર્યા, જેના ઉત્તર જાણવા માટે શંકરાચાર્યજીએ પોતાના આત્માને કાશીનરેશના શરીરમાં પ્રવેશ કરાવીને ઉત્તર જાણવાનો પ્રયત્ન કર્યો. પરકાયાપ્રવેશ દરમિયાન તેમના શિષ્યોએ આદ્ય શંકરાચાર્યનું શરીર એક ગુફામાં સુરક્ષિત રાખ્યું. આ જ સ્થાનને પછીથી પાંચમા મઠનું ગૌરવ પ્રાપ્ત થયું.
સમગ્ર ભારતની યાત્રા કરીને તેમણે પોતાના જીવકાળનો ઘણોખરો સમય ઉત્તર ભારતમાં વિતાવ્યો. આદ્ય જગદ્ગુરુ શંકરાચાર્યએ માત્ર ૩૨ વર્ષના અલ્પાયુમાં પવિત્ર કેદારનાથ ધામમાં દેહનો ત્યાગ કર્યો.
શંકરાચાર્યજીના સમયમાં જ ભારતમાં વેદાંત દર્શન અદ્વૈતવાદનો સૌથી વધુ પ્રચાર થયો. તેમને અદ્વૈતવાદના પ્રવર્તક માનવામાં આવે છે. બ્રહ્મસૂત્ર પર જેટલાં પણ ભાષ્ય મળે છે તેમાંથી સૌથી પ્રાચીન શંકર ભાષ્ય જ છે. તેમના જન્મ સંબંધિત ઘણા મતમતાંતર છે. મોટાભાગના લોકો એવું માને છે કે તેઓ ઈ.સ. ૭૮૮માં જન્મ્યા અને ૩૨ વર્ષની ઉંમરે તેમનો દેહાંત થયો. તેમના જન્મસ્થાન અંગે પણ માન્યતા છે કે કેરલ પ્રદેશના પૂર્ણા નદીના તટ પાસે કલાદી નામના ગામમાં વૈશાખ સુદ પાંચમે તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ તો શિવગુરુ સર્વ માન્ય છે, પરંતુ માતાનું નામ સુભદ્રા કે વિશિષ્ટા પણ કહેવાય છે.
આદ્ય શંકરાચાર્યના અદ્વૈત દર્શનનો સાર
  •  બ્રહ્મ અને મૂળ, મૂળરૂપે અને તત્ત્વરૂપે એક છે. આપણને જે પણ અંતર દેખાય છે તેનું કારણ અજ્ઞાાન છે.
  •  જીવની મુક્તિ માટે જ્ઞાાન જરૂરી છે.
  •  જીવની મુક્તિ બ્રહ્મમાં લીન થઈ જવામાં જ છે.

No comments:

Post a Comment