Thursday 28 May 2015

તમારા કર્મફળને ઓળખો

*  સામાન્ય રીતે માનવીને કર્મની ઝંઝટ બહુ ફાવતી નથી તેમ છતાં  ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરવા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ના છુટકે માનવી કર્મ કરે છે. માનવી કોઈપણ કર્મ ક્યાં તો કંઈક મેળવવા માટે કર્યા તો કોઈક અપ્રિય વિષય વસ્તુ, વ્યક્તિ, ઘટના પરિસ્થિતિથી મુક્ત થવા માટે કરતો હોય છે.
*  જીવન એટલે જ કર્મ. કર્મ અનિવાર્ય છે કર્મફળ અનિવાર્ય છે, ફળ મળ્યું એટલે સારામાઠાં પરિણામ ભોગવવા માટે જીવન અને મરણ અનિવાર્ય છે.
*  મૂળભૂત રીતે તમામ કર્મફળ (ભોગપદાર્થ) કાચા અને અશુધ્ધ જ હોય છે. કર્મફળને બે પ્રકારની અશુધ્ધિઓ લાગેલી હોય છે. ભૌતિક અને આધ્યાત્મિક, ભૌતિક અશુધ્ધિઓ એટલે કાદવ-કીચડ, ધુળ-ઢેફા, માટી-મેલ વગેરે. આધ્યાત્મિક અશુધ્ધિઓ અહંકાર, આસક્તિ, આધિનતા, અદેખાઈ વગેરે.
*  ભૌતિક અશુધ્ધિઓ દુર કરવા માટે પાણી, પેટ્રોલ વગેરે પ્રવાહી પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આધ્યાત્મિક અશુધ્ધિઓ દુર કરવા માટે કર્મફળને ત્યાગની આગની ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે.
*  શુધ્ધ થયેલ કર્મફળની શક્તિ પ્રચંડ હોય છે વ્યક્તિ અને સમષ્ટિના કલ્યાણ અને ઉદ્વાર માટે ભોગપદાર્થ અતિ આવશ્યક છે. ભોગનો ત્યાગ અશક્ય અને અસંભવ છે.
*  કર્મફળ (ભોગપદાર્થ) આધુનિક યુધ્ધમાં વપરાતા ઓટોમેટિક મિસાઈલ્સ જેવા હોય છે. કર્મનો કર્તા એનું લક્ષ્ય હોય છે. એ લક્ષ્યને કર્મફળ ગમે ત્યાંથી યોગ્ય સમયે શોધી જ કાઢે છે અને કર્મનો કર્તા એ કર્મફળ ભોગવીને પુરા ન કરે ત્યાં સુધી શાંત થતા જ નથી.
*  તમામ ભોગપદાર્થો (કર્મફળ) જડ હોય છે છતાં ચેતનાના સંપર્કમાં આવવાથી ચેતનવંતા લાગે છે.
*  તમામ ભોગપદાર્થો (કર્મફળ) પરિવર્તનશીલ અને ક્ષણભંગુર હોય છે એટલે કે વિકારી અને વિનાશી હોય છે.
*  તમામ ભોગપદાર્થો (કર્મફળ) શરૃઆતમાં સુખનો આભાસ ઉભો કરે છે અને અંતમાં દુઃખદાયી સાબિત થાય છે.
*  કર્મફળ (ભોગપદાર્થ) જીવાત્માને તેની ઈચ્છા અનુસાર નહી પરંતુ તેણે કરેલા કર્મ અનુસાર પરમાત્માની મરજી મુજબ મળે છે.
*  ભોગપદાર્થ (કર્મફળ)ના અંતિમ અને એકમાત્ર માલિક પરમાત્મા જ છે, વળી ભોગપદાર્થ જગતનો જ એક ભાગ હોવાથી જગદીશનું જ રૃપ છે તેથી ભોગ ભોગવવામાં વિવેક રાખવો અનિવાર્ય છે.
*  એવું કહેવાય છે કે માનવી ભોગ ભોગવે છે પરંતુ હકીકત એ છે કે માનવી ભોગ ભોગવતો નથી, પરંતુ ભોગ જ માનવીને ભોગવે છે અને અંતમાં એક દિવસ માનવીને સ્મશાન ભેગો કરે છે.
*  કર્મફળ (ભોગપદાર્થ) એટલે કંચન, કીર્તિ, કામિની, કાયા, કુળકુટુંબ, કાર્યસત્તા.
    હરિઓમ તત્સત્ઃ હરિ ઓમ શાંતિ
    જય ગુરુદેવ ઃ જય વાસુદેવ

No comments:

Post a Comment